કરાંચી,તા.૧૯
એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આઈપીએલની ઓપનિંગ સેરેમની રદી કરી નાખી, જ્યારે બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીએસએલનો રંગારંગ સમારોહ યોજીને ચારે બાજુથી નિંદાનો શિકાર બની રહ્યું છે. ચોમેરથી કહેવામાં આવી રહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર થયેલા હુમલા બાદ પાકિસ્તાને આવો રંગારંગ કાર્યક્રમ યોજવાની જરૂર નહોતી. જોકે પીસીબી અધ્યક્ષ એહસાન મનીને આનો જરાય અફસોસ નથી.
એહસાન મનીએ પીએસએલના રંગારંગ સમારોહ આયોજિત કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું, ”આતંકવાદને કારણે ક્રિકેટ પર રોક લગાવી શકાય નહીં.” પાકિસ્તાન બોર્ડના અસંવેદનશીલ વલણની આકરી ટીકા થઈ રહી છે.
મનીએ કહ્યું, ”અમે એક મિનિટનું મૌન રાખ્યું હતું. કબૂતર ઉડાડ્યાં અને ડાન્સના કાર્યક્રમ ઓછા કરી નાખ્યા હતા. બધાં ગીત પાકિસ્તાનનાં મશહૂર ગીત હતાં. આતંકવાદનો સૌથી વધુ ભોગ પાકિસ્તાન બન્યું છે. ન્યૂઝીલેન્ડની ઘટનાથી અમે દ્વિધામાં હતા.
લોકો ભૂલી જાય છે કે અમે પણ આતંકવાદનો ભોગ બન્યા છીએ. પાકિસ્તાનની સમસ્યા બીજાથી અલગ નથી, પરંતુ તેમના કારણે ક્રિકેટને રોકી દેવામાં આવશે તો તે આતંકવાદીઓની જીત ગણાશે. ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ સ્થાને છે, પરંતુ રમત રોકાવી જોઈએ નહીં.