Sports

પીસીબીને સુરક્ષા મુદ્દે આઈસીસીની લીલી ઝંડી મળવાની આશા

કરાચી, તા.૧૭
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આશા છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજનના સુરક્ષા મામલામાં આઈસીસી દ્વારા નિયુક્ત આંતરરાષ્ટ્રીય સુરક્ષા કંપનીનો રિપોર્ટ સકારાત્મક હશે. બ્રિટન, ન્યુઝીલેન્ડ અને સંયુક્ત આરબ અમિરાતમાં કામ કરનારી આ કંપની આઈસીસીએ પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપી છે. આ મહિનાના અંતમાં કંપનીના અધિકારી અને ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ પ્લેયર્સ એસોસિએશન (ફીકા)ના પ્રતિનિધિ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પીસીબીના અધ્યક્ષ નઝમ સેઠીએ કહ્યું કે સુરક્ષા કંપનીના રિપોર્ટના આધારે જ વિશ્વ ઈલેવનનો લાહોર પ્રવાસ અને પછી ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે શ્રીલંકાનો પાકિસ્તાન પ્રવાસ નક્કી થશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મેચોના પુનરાગમન માટે આઈસીસી અમારી ઘણી મદદ કરી રહ્યું છે. સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવા આવી રહેલી કંપની ઘણી પ્રતિષ્ઠિત છે. મને આશા છે કે અમારી સુરક્ષા વ્યવસ્થાથી તેઓ સંતુષ્ટ થશે.