(એજન્સી) નવી દિલ્હી,તા.૨
જમ્મુ કાશ્મીરમાં સરકાર પડી ભાગ્યાં બાદ પીડીપીમાં હાલમાં વિદ્રોહના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે. પૂર્વ રાજ્યમંત્રી અને સિનિયર નેતા ઇમરાન અન્સારી જાહેરમાં પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીના વિરોધમાં બોલ્યા છે. અન્સારીએ વાસ્તવિક રીતે મહેબૂબા પર પીડીપીમાં ભાગલા કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મેહબુબા મુફ્તી પોતાના પિતાના સ્વપ્નને ચકનાચૂર કરી રહી છે. સ્વર્ગીય મુફ્તી મોહમ્મદે પીડીપીની સ્થાપના કરી હતી. મેહબુબાને ’અયોગ્ય’ કહેતા પૂર્વ આઇટી મંત્રી અન્સારીએ કહ્યું કે, રાજ્યમાં મોટાપ્રમાણમાં ભંડોળ આવે છે પરંતુ મેહબુબા મુફ્તીએ તેનો સદઉપયોગ નથી કર્યો. તેમણે આગળ પણ આરોપ લગાવતા કહ્યું કે, મુફ્તીએ પાર્ટીને પરિવારવાદમાં સીમિત કરી દીધું છે. પીટીઆઈના સૂત્રો મુજબ અન્સારીએ પીડીપીમાં નેતૃત્વ પરિવર્તન કરવા કહ્યું અને જો આમ નહી થાય તો તેઓ પાર્ટીથી જાતે જ દૂર થઈ જશે. જોકે પાર્ટી છોડ્યા બાદ પણ તેઓ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે. તાજેતરમાં જ અન્સારીના અંકલ અને પીડીપીના ધારાસભ્ય આબીદ અન્સારીએ પણ મેહબુબા મુફ્તીના નેતૃત્વને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.