નવી દિલ્હી, તા. ૧૪
એપ્રિલ મહિનામાં હિંદુત્વવાદી ગૌરક્ષક ટોળાના હુમલાનો શિકાર બનેલા પશુપાલક પહલૂખાને મૃત્યુ પહેલા જે છ કટ્ટરવાદીઓના નામ ફરિયાદમાં નોંધાવ્યા હતા તે તમામ સામેની તપાસ રાજસ્થાન પોલીસે બંધ કરી દીધી છે. અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, શંકાસ્પદ ગૌરક્ષોને બચાવવા માટે સત્તાવાળાઓ પર ઘણું દબાણ કરવામાં આવતું હતું. તપાસના રિપોર્ટ અનુસાર ગૌશાળાના સભ્યોના નિવેદનો અને તેમના મોબાઇલ ફોન રેકોર્ડિંગને આધારે પોલીસે છ આરોપીઓ સામેની તપાસ બંધ કરી હતી જેમાં ત્રણ કટ્ટરવાદી સંગઠનોના સભ્યો હતા.
રથ ગૌશાળાના સભ્યોના રેકોર્ડ અનુસાર છ આરોપી ઓમ યાદવ, હુકુમચંદ યાદવ, સુધિર યાદવ, જગમલ યાદવ, નવીન શર્મા અને રાહુલ સૈની હુમલા સમયે ગૌશાળામાં જ હાજર હતા જે હુમલાના સ્થળથી છ કિલોમીટર દૂર આવેલી છે. આ ગૌરશાળા જગમલ યાદવ દ્વારા ચલાવવામાં આવે છે. સાક્ષીઓ તથા તપાસમાં સામેલ પોલીસકર્મીઓ અને રથ ગૌશાળાના કર્મચારીઓના નિવેદનો અનુસાર પહલૂખાન પર જે સમયે હુમલો થયો તે સમયે આ તમામ આરોપીઓ ગૌશાળામાં હાજર હતા. તેમના મોબાઇલ ફોનના રેકોર્ડિંગ પણ આ વાતનો પુરાવો આપે છે તેમ તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું. તપાસ અધિકારીના તારણો અનુસાર આ તમામ છ આરોપીઓએ કોઇ ગુનો આચર્યો ન હોવાનું સાબિત થઇ રહ્યું છે તેથી તેઓને છોડી મુકવા ભલામણ કરવામાં આવશે. તપાસમાં અન્ય નવ આરોપીઓના નામ છે જેમાંથી બે કિશોર છે.
ઉલ્લેખનીય છે કે, પહલૂખાન જયપુરથી પોતાના હરિયાણાના ગામ નુહમાં પશુઓ લઇ જઇ રહ્યો હતો. ત્યારે પહેલી એપ્રિલે અલવર નજીક ગૌરક્ષો દ્વારા તેના પર હુમલો કરાયો હતો. હિંદુઓમાં પવિત્ર મનાતા પશુને બચાવવા કહેવાતા રક્ષકો દ્વારા કરાયેલા હુમલાને દલિતો અને મુસ્લિમો પરના હુમલા તરીકે જોવામાં આવે છે. પહેલી સપ્ટેમ્બરે આકેસમાં તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના વિભાગે અલવર પોલીસને જણાવ્યું હતું કે, કેસમાં આરોપીઓની યાદીમાંથી છ લોકોને મુક્ત કરી દેવામાં આવે. અલવર પોલીસે આ તમામ છ આરોપીઓની માહિતી આપનારને રૂપિયા ૫,૦૦૦ ઇનામ આપવા જાહેરાત કરી હતી તે જાહેરાત પણ રદ કરાઇ છે કારણ કે, તેમની સામેની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ગુનામાં સામેલ નહોતા તેમ અલવરના એસપી રાહુલ પ્રકાશે જણાવ્યું હતું.