પેટલાદમાં રોગચાળો વકર્યો : તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતાં વધુ દસ કેસ નોંધાયા

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૦
આણંદ જિલ્લાનાં પેટલાદ શહેરમાં છેલ્લા ત્રણ દીવસથી દુષીત પાણીના કારણે ઝાડા ઉલ્ટીના રોગચાળાએ માથુ ઉચકયું છે અને ગઈકાલ સાંજ સુધીમાં સીવીલ હોસ્પીટલમાં ૬૦થીવધુ દર્દીઓ નોંધાયા બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં આજે વધુ દસ કેસ નોંધાયા છે. સીવીલ હોસ્પીટલમાં દર્દીઓની વધતી સંખ્યાને લઈને લોબીમાં પલંગ ગોઠવી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર પેટલાદ શહેરનાં કાળકા ગેટ, નાઈવાડા, નવઘણવાડ, ખારા કુવા, ઝંડા બજાર, ગોલવાડ, વહોરવાડ, ખંભાતી ભાગોળ, ખાટકીવાડ, મલાવ ભાગોળ, હીના સોસાયટી સહિતની વિવિધ સોસાયટીમાં છેલ્લા ત્રણેક દીવસથી ઝાડા ઉલ્ટીના રોગચાળાએ માથું ઉચકયું છે. જેને લઈને ખાનગી હોસ્પિટલો તેમજ સિવિલ હોસ્પિટલ ઝાડા ઉલ્ટીનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવવાના કારણે ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકરી રહ્યો છે. જેના કારણે ગઈકાલે સાંજ સુધીમાં સીવીલ હોસ્પીટલમાં ૩૦ પુરૂષ દર્દીઓ અને ર૬ મહીલા દર્દીઓ મી પ૬ દર્દીઓને ઈન્ડોર પેસન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે વધુ ૧૦ દર્દીઓ નોંધાયા છે.
રોગચાળાના કારણે ૭૦થી વધુ દર્દીઓને ઝાડા ઉલ્ટીનાં ભોગ બન્યાં હોવા છતાં પાલીકા તંત્ર સબસલામતની આલબેલ પોકારી રહ્યું છે. પાલીકાનાં ઇન્ચાર્જ એન્જીનીયર હાર્દીક પટેલ કોઈ લીકેજ નહીં હોવાનું જણાવી રહ્યાં છે. આ અંગે પેટલાદની સીવીલ હોસ્પીટલનાં ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર અમર પંડયાએ જણાવ્યું હતું કે યોગ્ય કલોરીનેસન નહીં હોવાના કારણે તેમજ દુષીત પાણીના કારણે ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકર્યો છે. જયારે આ અંગે આણંદના આરોગ્ય વીભાગના અધીકારી પરમારે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ ગટર લાઈનની વચ્ચે થઈ પીવાના પાણીની લાઈન પસાર થાય છે. અને જેમાં કેટલીક જગ્યાએ લીકેજ હોવાના કારણે પીવાના પાણીમાં દુષીત પાણી ભળવાના કારણે આ કારણે આ સમસ્યા સર્જાય છે.
આ અંગે પેટલાદ નગરપાલીકાના કાઉન્સીલર ફહીમાબાનુએ જણાવ્યું હતું કે દુષીત પાણીના કારણે રોગચાળો ફેલાયો છે અને પાણીનું કલોરીનેસન પણ યોગ્ય પ્રમાણમાં થતું નથી. નગરપાલીકાની બેદરકારીના કારણે આ રોગચાળો ફેલાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts