(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૦
આણંદ જિલ્લાનાં પેટલાદ શહેરનાં બોડીકુઈ વીસ્તારમાં ૩૦૦ રૂા.ના જીન્સ પેન્ટ માટે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતાં એક ભાઈએ ઉશ્કેરાઈ જઈને બીજા ભાઈને મારમારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર પેટલાદ શહેરનાં બોડીકુઈ વિસ્તારમાં રહેતાં રણછોડભાઈ શંકરભાઈ તળપદાના પુત્ર રમેશનું જીન્સનું પેન્ટ મળતું ન હોઈ આ અંગે રમેશે પોતાના પિતરાઈ ભાઈ નીલુભાઈ ઈશ્વરભાઈ તળપદાને જીન્સ પેન્ટ બાબતે પૂછપરછ કરી હતી કે, મારૂ પેન્ટ તું લઈ ગયો છું જેમાં માત્ર ૩૦૦ રૂા.ની કિંમતના જીન્સ પેન્ટ બાબતે રમેશ અને નીલુ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં જેમાં ઉશ્કેરાયેલા નીલુએે રમેશને માથામાં ધારીયું મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. નીલુભાઈ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે રણછોડભાઈ શંકરભાઈ તળપદાએ પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.