મોદીના ફોટા મૂકો અથવા પુરવઠા પર પ્રતિબંધનો સામનો કરો : પેટ્રોલ ડીલરોનો આરોપ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
દેશની વિવિધ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પંપ ઓપરેટરોને જાહેરાત માટેના બોર્ડ પર વડાપ્રધાન મોદીની તસવીરો લગાવવાનું મૌખિક સૂચન કરતા નવો વિવાદ સર્જાયો છે. આ સૂચના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે આપી છે. કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સના પ્રમુખ એસએસ ગોગી અનુસાર ઓઇલ કંપનીઓએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા પેટ્રોલ પંપો પર વડાપ્રધાનની તસવીરો લગાવવાની માર્ગદર્શિકા જારી કરી છે. એટલું જ નહીં જે લોકો પોતાના પેટ્રોલ પંપો પર વડાપ્રધાનનું બિલબોર્ડ નહીં લગાવે તેમનો પેટ્રોલનો પુરવઠો રોકી દેવામાં આવશે એવી ધમકીઓ પણ આપવામાં આવી છે. અધિકારીઓએ દરેક પેટ્રોલ પંપ પર જઇને આ પ્રકારની સૂચના આપી હોવાના અહેવાલ મળ્યા હતા. પેટ્રોલ પંપ માલિકોને કહેવાયું છે કે, તમારે વડાપ્રધાનની તસવીર સાથે સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે ગરીબો માટે એલપીજી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી યોજનાઓની પણ જાહેરાત કરવાની છે.
બીજી તરફ પેટ્રોલ પંપ માલિકોના એસોસિએશનના દાવાને ઓઇલ કંપનીઓએ ફગાવી દીધો છે. ઇન્ડિયન ઓઇલે કહ્યું હતું કે, અમે કોઇને કોઇ પ્રકારની તસવીરો અને જાહેરાત કરવાનું સૂચન કર્યું નથી. અમે કોઇને પેટ્રોલનો પુરવઠો રોકવાની પણ ધમકી આપી નથી. અમે તો ફક્ત સરકારની યોજનાઓનું જ પ્રમોશન કરી રહ્યા છીએ. જો એ યોજનાઓની જાહેરાત કરીશું તો વડાપ્રધાન મોદીની તસવીર આપોઆપ જ આવી જશે. તેમાં વિવાદ જેવું કાંઇ જ નથી. જોકે, એસએસ ગોગીએ દાવો કર્યો છે કે, સરકારે દેશભરના પેટ્રોલ પંપ પર કામ કરતા ૧૦ લાખ કર્મચારીઓની અંગત જાણકારી માગી છે જેમાં તેમનો ધર્મ, જાતિ અને તેઓ કયા લોકસભા મતવિસ્તારના મતદાર છે તેનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ પ્રકારની સૂચનાઓથી કંટાળી પેટ્રોલ પંપ માલિકોનું એસોસિએશન અદાલતમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ગયા અઠવાડિયે જ ઓઇલ કંપનીઓએ દેશના ૫૯ હજાર પેટ્રોલ પંપ ડીલરોને પત્ર લખીને તેમના કર્મચારીઓની માહિતી માગી હતી જેથી સરકાર વડાપ્રધાન સ્કીલ ડેવલપમેન્ટ યોજનામાં પ્રાથમિક શિક્ષણ માટે લોકોની ઓળખ કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts