(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
ઇંધણોની કિંમતોમાં સતત વધારા બાદ પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગતા કરમાં કાપ મુકવાન માગ ઉગ્ર બની હતી. પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં નાખવાની વાત પણ થઇ રહી હતી. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વચગાળાની રાહત આપવાની તરફેણ કરતા પોતે આ અંગે વિચારણા કરવા કહ્યું હતું. જોકે, અરૂણ જેટલીએ પેટ્રોલિયમ પદાર્થો પર લાગતા ટેક્સ અંગે કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કરતા તેલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ સાથે જ નાગરિકોને સંપૂર્ણ ઇમાનદારીથી ટેક્સ ચૂકવવા પણ કહ્યું છે. જેટલીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપની પ્રતિકૂળ અસર પડી શકે છે. જેટલીએ એમ પણ કહ્યું કે, વેતનભોગી ટેક્સ ચૂકવીને પોતાના ભાગની ચુકવણી કરી રહ્યા છે પરંતુ સમાજના અન્ય લોકોએ પોતાના ટેક્સ આપવાના રેકોર્ડનો સુધારવો જોઇએ. ભારતીય સમાજ હજુ પણ ટેક્સ આપનારા સમાજ બનવાથી ઘણું દૂર છે. તેમણે રાજનેતાઓને પણ આ અંગેની અપીલ કરી હતી.
જેટલીએ કહ્યું કે, જે બિન-તેલ શ્રેણીમાં થતી કરચોરી રોકાય અને લોકો ઇમાનદારીથી ટેક્સ આપે તો મહેસૂલ માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા આપોઆપ ઓછી થઇ જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની અસર ઘરેલુ બજાર પર પણ પડી છે. જેના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોમાં સતત વધારો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલ પર લાગતા કરમાં કાપ મુકવાની માગ ઉગ્ર બની ગઇ છે. આ અંગે જેટલીએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ટિ્વટર પોસ્ટમાં લખ્યું છે કે, પેટ્રોલિયમ ઉત્પાદનો પર લગતી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મુકવાથી નાણાકીય સ્થિતિ પર મધ્યમથી લઇને લાંબાગાળા સુધીના સમયગાળામાં પ્રતિકૂળ અસર પડશે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં ટેક્સ જીડીપી અનુપાતમાં સુધીરો (૧૦થી ૧૧.૫ ટકા) થયો છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ ઉત્પાદનોનું કર મહેસૂલમાં ઉલ્લેખનીય યોગદાન હોય છે. કેન્દ્ર સાથે રાજ્યો માટે પણ આ મહેસૂલ સૌથી મોટું માધ્યમ છે. જોકે, કિંમતો વધુ વધવાની સ્થિતિમાં વિવિધ રાજ્ય સરકારો ટેક્સમાં કેટલીક હદ સુધી કાપ મુકી સામાન્ય જનતાને રાહત આપવાનો પ્રયાસ કરે છે. પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીમાં નાખવાની તરફેણ પણ કરાઇ રહી છે. અહેવાલો અનુસાર મોટાભાગના રાજ્યો આ માટે તૈયાર નથી કેમ કે, આનાથી તેમની મહેસૂલી આવકમાં પ્રતિકૂળ અસર પડે છે. રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની જવાબદારી કેન્દ્ર સરકાર પર જ નાખે છે.
કોંગ્રેસનો વડાપ્રધાનને પ્રશ્ન : ખરેખર નાણામંત્રી કોણ છે ?
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના નાણામંત્રી અંગે ખુલાસો કરવા અપીલ કરી હતી. અરુણ જેટલી અથવા તો પીયુષ ગોયેલમાંથી દેશના નાણામંત્રી કોણ છે તે અંગે ખુલાસો કરવા માટે મોદીને અપીલ કરવામાં આવી છે. પીએમઓ અને નાણામંત્રાલયની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કરીને મનિષ તિવારીએ આ મુજબની વાત કરી છે. પીએમઓ અને નાણામંત્રાલયની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ માહિતીનો ઉલ્લેખ કરતા તિવારીએ આ અંગેના પ્રશ્ન કર્યા હતા. તિવારીએ કહ્યું છે કે, હજુ સુધી આ મામલે દુવિધાભરી સ્થિતિ છે. નાણામંત્રાલય અને પીએમઓ બંનેમાં જુદી જુદી વાત કરવામાં આવી છે. ૧૪મી મેના દિવસે પીયુષ ગોયેલને અરુણ જેટલીની સારવારના કારણે નાણામંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. અરુણ જેટલીએ આ મહિનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યું છે. જેટલીની ગેરહાજરીના ગાળા દરમિયાન પીયુષ ગોયેલને તેમની જવાબદારી સોંપાઈ છે.
ભારતભરમાં ટ્રાન્સપોર્ટરની હડતાળ શરૂ : અનેક સમસ્યા
નવી દિલ્હી,તા. ૧૮
ઓલ ઇન્ડિયા કન્ફેડરેશન ઓફ ગુડ્સ ઓપરેટર્સના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટરો આજથી દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. જેથી તેની અસર દેખાવવાના સંકેત મળી રહ્યા છે. અચોક્કસ મુદ્તની હડતાળ પાડવામાં આવી રહી છે. હડાતળ દરમિયાન જીવનજરૂરી અને ખાવાપીવાની ચીજોનો પુરવઠો જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે તમામ પ્રકારના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ચીજવસ્તુઓનો પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જેવા અન્ય સંગઠનોસોમવારના બદલે આગામી મહિનાથી હડતાળ પાડનાર છે જેથી વર્તમાન હડતાળને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. જો કે જાણકાર લોકોનુ કહેવુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સપ્લાય ચેઇન તુટી જવાના કારણે સમગ્ર દેશમાં કારોબાર પર તેની અસર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા કન્ફેડરેશન ઓફ ગુડ્સ ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ ડી. ચેન્નારેડીએ કહ્યુ છે કે ડિઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. થર્ડ પાર્ટી વીમા પ્રિમિયમમાં વધારો થઇ રહ્યો છે. જીએસટી સાથે સંબંધિત તકલીફ આવી રહી છે. જેના કારણે હડતાળ પાડવા માટેની તારીખની જાહેરાત તો એપ્રિલ મહિનામાં જ કરવામાં આવી હતી. સરકાર સાથે કેટલાક રાઉન્ડની બેઠકો થઇ હતી. જે ફ્લોપ રહી હતી. સંગઠનના સેક્રેટરી કૌસર હુસૈને કહ્યુ છે કે દેશભરમાં લોડિંગ શનિવારથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી અસર રહે તેવી શક્યતા છે. અલબત્ત દુધ, શાકભાજી, દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની સેવા હડતાળના કારણે બંધ રાખવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોની જુદી જુદી માંગ રહેલી છે. સરકાર પર ટ્રાન્સપોર્ટરો ગંભીર પ્રકારના આરોપો મુકી રહ્યા છે. તેમના કહેવા મુજબ સરકાર ડિઝલથી રોડ ટેક્સ તરીકે આઠ રૂપિયા પ્રતિ લીટર વસુલી રહી છે.