(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
ડોલરની સરખામણીએ રૂપિયો સતત ગગડી રહ્યો છે. ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશ આંબી રહી છે. બુધવારે રેકોર્ડ ન્યુનત્તમ સપાટીએ પહોંચ્યા બાદ ગુરૂવારે પણ રૂપિયો નબળો રહ્યો. આ પડતીને કારણે તેલ કંપનીઓએ પણ પેટ્રોલના દરમાં ૧૮ પૈસાનો વધારો કર્યો છે.
બુધવારે ડોલરની સરખામણીએ રૂપિયો ૪પ પૈસાના ઘટાડા સાથે ૭૦.પ૯ સ્તરે પહોંચ્યો હતો. ઓગસ્ટ ર૦૧૩ બાદ એક દિવસમાં રૂપિયામાં સૌથી મોટી પડતી છે. રૂપિયો લગભગ ૧૦ ટકા તૂટી ચૂક્યો છે. આગામી દિવસોમાં રૂપિયો ડોલરની સરખામણીએ નબળો પડી ૭રની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. રૂપિયો નબળો પણ લોકોના જીવન પર માઠી અસર પડી શકે છે.
ડોલર મજબૂત થતા ખનીજ તેલની આયાતો પર અસર થશે અને દેશને આયાતની વધુ કિંમત ચૂકવવી પડશે. ભારત પોતાની જરૂરિયાતનો ૮૦ ટકાથી વધુ ખનીજ જથ્થો આયાત કરે છે. આવી પરિસ્થિતિમાં આયાત દરમાં વધારો થવાથી કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારી શકે છે. દેશમાં ખાણીપીણીની તેમજ અન્ય જરૂરી સામાનની હેરફેર મુખ્યત્વે ડીઝલ દ્વારા ચાલતા વાહનોથી થાય છે. જો ડીઝલ મોંઘું થશે તો તમામ ઉત્પાદનોના ભાવ વધશે અને દેશમાં મોંઘવારી વધે વિકટ બનશે. આ સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ કિંમતોમાં નોંધપાત્ર વધારો થશે. રૂપિયાની સરખામણીએ ડોલર મજબૂત થવાથી આઈટી, ફાર્મા તેમજ નિકાસ ક્ષેત્રોને ફાયદો થવાની શક્યતા છે. રિલાયન્સ, ઓ.એન.જી.સી. ઓઈલ ઈન્ડિયા લિમિટેડ જેવા વિતકરોને પણ ડોલરમાં વધારાનો કાયદો થશે કારણ કે આ કંપનીઓ ડોલરમાં ઈંધણ વેચે છે.