Ahmedabad

પેટ્રોલ પંપો પર પીવાનું ચોખ્ખું પાણી અને ટોઈલેટની સુવિધા ઊભી કરવી પડશે

અમદાવાદ, તા.૨૪
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા પેટ્રોલપંપ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે આ જાહેરનામા અનુસાર અમદાવાદ શહેરની હદમા આવેલા તમામ પેટ્રોલપંપના માલિકો અને સંચાલકોએ તેમના પેટ્રોલપંપ ઉપર ટોઈલેટની સગવડ ઉભી કરવા ઉપરાંત પીવાના ચોખ્ખા પાણીની પણ સગવડ ઉભી કરવી પડશે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તમામ પેટ્રોલપંપ ઉપર ફરજિયાત ટોઈલેટસની સગવડ ઉભી કરવા મામલે તેમજ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તમામ પેટ્રોલપંપ ઉપર સુચારૂ ટોઈલેટ તેમજ પીવાના પાણીની સગવડ ઉભી કરવા અંગે નોટીફિકેશન બહાર પાડ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદની હદમા આવતા તમામ પેટ્રોલપંપ ઉપર ટોઈલેટ અને પીવાના પાણીની સગવડ ઉભી કરાવવા મામલે નોટીફિકેશન બહાર પાડ્યુ છે.
શહેરી વિકાસ મંત્રાલય વિભાગ તરફથી આગામી સમયમા હાથ ધરવામા આવેલા સ્વચ્છ સર્વેક્ષણ પ્રોજેકટ અંતર્ગત તમામ પેટ્રોલપંપ પર આવતા લોકો માટે હવા,પાણી અને ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે નિર્દેશ જારી કરવામા આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામા આવેલા નોટિફિકેશન મામલે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને આ અંગે પુછવામા આવતા તેમણે કહ્યુ કે,અમદાવાદ શહેરના તમામ પેટ્રોલપંપના માલિકો અને સંચાલકોને સગવડ ઉભી કરવાની સાથે આ અંગે જરૂરી બોર્ડ પણ લગાવવાની સુચના આપવામા આવી છે.પેટ્રોલપંપ ઉપરના તમામ ટોઈલેટસ પણ હવે પછી જાહેર શૌચાલયોની યાદીમા સામેલ થઈ જાય છે.આ તમામને જિયોગ્રાફીકલ ઈન્ફર્મેશન સિસ્ટમના ટેગથી સાંકળી લેવામા આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યકતિગત તેમજ કોમ્યુનિટી ટોઈલેટ વિવિધ વિસ્તારોમા બનાવવામા આવી રહ્યા છે.પંપ ઉપર પીવાના પાણીની જરૂરી સગવડ ઉભી કરવા પણ કહેવામા આવ્યુ છે.આ અંગેની માહિતી સ્વચ્છતા એપ ઉપર પણ મુકવામા આવશે.