જામનગર,તા.૯
ભાણવડના વેરાડ ગામની સીમમાં ઉભા કરવામાં આવેલા એક ગોડાઉનમાંથી પેટ્રોલિયમ પ્રોડકટનું ગેરકાયદે વેચાણ થતું હોવાની બાતમી પરથી ત્રાટકેલી આરઆર સેલે ત્યાંથી ૮૪૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી, બેરલ, ટેન્કર સહિતનો રૂા.૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં ડીઝલ સહિતનું કેટલુંક પ્રવાહી રાખી મૂકવામાં આવ્યાની અને તેમાંથી વેચાણ કરાતું હોવાની બાતમી પરથી ગઈકાલે સવારે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના સ્ટાફે વેરાડ ગામની સીમમાં દરોડો પાડયો હતો.
આ સ્થળેથી મોટા કાલાવડ ગામના રહેવાસી અને ત્યાં ગોડાઉન ધરાવતા ભીમશીભાઈ મારખીભાઈ કરમુરની જગ્યામાં તલાશી લેવાતા ૮૪૦૦ લીટર ડીઝલ જેવું પેટ્રોલિયમ પ્રવાહી તેમજ જીઆરડબલ્યુ ૩૨૬૮ નંબરનું ટેન્કર અને મીટર પંપ, લોખંડના બે મોટા ટાંકા તથા ત્રણ બેરલમાં ભરવામાં આવેલા પામોલીન તેલ જેવા પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો.
બે ટાંકામાંથી ૭૪૦૦ લીટર મળી કુલ ૮૪૦૦ લીટર બાયોડીઝલ પ્રકારનું ડીઝલ મળી આવતા આરઆર સેલે રૂા.પ૩ના પ્રતિ લીટરના ભાવ લેખે રૂા.૪,૪૫,૨૦૦નું પ્રવાહી, રૂા.દોઢ લાખનું ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.૭,૦૪,૨૦૦ની ચીજવસ્તુઓ ઝબ્બે લીધી છે. ભીમશીભાઈ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબત અંગે નોંધ કરાવાઈ છે.