ફાર્મા-મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ આણવા રાજ્ય કેન્દ્ર સરકારના સહયોગમાં કરાઈ જાહેરાત
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૩
ગુજરાતમાં ફાર્મા અને મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ અણવા કેન્દ્ર સરકારના સહયોગથી બલ્ક ડ્રગ પાર્ક, ફાર્મા પાર્ક અને મેડિકલ ડિવાઈસીસ પાર્ક બનતી ત્વરાએ શરૂ કરવાની જાહેરાત કરતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબ-વંચિત-શોષિતો માટે સસ્તી દવાઓ ઉપલબ્ધ કરવા ૩૦૦ જેટલા સ્ટોર્સ શરૂ કરવાની નેમ વ્યકત કરી હતી અને ગરીબ માનવીને પરવડે તેવી કિંમતે દવા પૂરી પાડવા દવા ઉત્પાદકોને આજે તેમણે આહૃવાન પણ કર્યું હતું. અમદાવાદમાં યોજાયેલ ફાર્મા ક્ષેત્રના એક કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દવા ઉત્પાદકોને વિશ્વમાં નવા રોગોના વધી રહેલા વ્યાપ સામે નવી શ્રેષ્ઠ દવાઓ મળી રહે તેવા રિસર્ચ ડેવલપમેન્ટ સંશોધન માટે આહવાન કર્યું હતું. કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય કાર્યકાલ મંત્રી અનંથકુમારે ગુજરાતે જે ગ્લોબલ ડેવલપમેન્ટ કર્યું છે તેમાં ફાર્મા ઈન્ડસ્ટ્રીના ફાળાને શિરમૌર ગણાવી ગુજરાતમાં વિશ્વનું ફાર્મા હબ બનવાની ક્ષમતા છે તેમ જણાવ્યું હતું. તેમણે કહયું કે, ભારત વિશ્વના રર૦ દેશોમાં ૧૪.૯ બિલિયન યુ.એસ. ડોલર્સની દવાઓનો બિઝનેસ કરે છે અને વિશ્વમાં વેચાતી દર ત્રીજી દવાની ગોળી ભારતના ગુજરાતમાં બનેલી હોય છે. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રથમ ફાર્મા કલસ્ટર સ્થાપવાની કેન્દ્ર સરકારની પ્રતિબધ્ધતા દર્શાવતા ઉમેર્યું કે, આ કલસ્ટરને પરિણામે દવા ફાર્મા ઉત્પાદનની ર૦૦ જેટલી કંપનીઓ દ્વારા ર૦૦૦ કરોડનું રોકાણ ગુજરાતમાં આવશે. તેમણે ડ્રગ્સ પ્રાઈસ કન્ટ્રોલ ઓર્ડર તેમજ નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટી પ્રત્યેની ઈન્ડસ્ટ્રીની સમસ્યાઓના નિવારણ માટે ફાર્મા ઈન્ડસ્ટ્રીને સાથે રાખીને યોગ્ય સુધારા માટેની તત્પરતા વ્યકત કરી હતી. જી.એસ.ટી.ને પરિણામે ફાર્મા ઉદ્યોગને થનાર રાહતની ભૂમિકા આપતા કેન્દ્રીય મંત્રીએ ફાર્મા ઉદ્યોગનું મહત્વ સ્વીકારીને અલાયદી ફાર્મા મિનિસ્ટ્રીની આવશ્યકતા સમજાવી હતી. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખ માંડવિયા તથા મંત્રી શંકર ચૌધરીએ પણ સંબોધનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક, ફાર્મા પાર્ક અને મેડિકલ ડિવાઈસીસ પાર્ક ત્વરાએ શરૂ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રીએ આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં ફિઝિકસ, કેમિસ્ટ્રી સહિતના વિવિધ વિષયોમાં નોબલ પ્રાઈઝ વિજેતા તજજ્ઞોનું ખાસ સત્ર યોજીને તેમની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તેવા નવતર આયોજનની પણ વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ રાજયમાં કાર્ડિયાર્ક સ્ટેન્સ, ઓથોપેડિક ઈમ્પલાન્ટસ વગેરેના ઉત્પાદનમાં ગુજરાતમાં થઈ રહેલી ૭૦ ટકાથી વધુ ઉલ્લેખનીય પ્રગતિની વાત કરતા ઉમેર્યું હતું કે યુવાનોને ફાર્મા ક્ષેત્રે રોજગારી અને કારકિર્દી ઘડતર માટે ૭૦થી વધુ ફાર્મસી કોલેજો રાજયમાં કાર્યરત છે. નવી હેલ્થ પોલિસી જે નજીકના ભવિષ્યમાં જાહેર થશે તેને અનુરૂપ ખાનગી હોસ્પિટલ મેડિકલ ડીવાઈસીસ ઈન્ડસ્ટ્રી વગેરે માટે કુશળ માનવબળ પણ રાજયમાં તૈયાર કરવાની તકો રહેલી છે. દલિત, વંચિત, પીડિત, શોષિત, ગરીબોને સસ્તી દવાઓ મળી રહે તે માટે ૩૦૦ જેટલા સ્ટોર્સ શરૂ કરવાની વાત પણ તેમણે કરી હતી.