અંકલેશ્વર, તા.૮
અંકલેશ્વરના ભાદી ગામે જુગારધામ પર દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૯ જુગારીઓને ઝડપી રપ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે બનાવમાં સ્થાનિક પોલીસની નિષ્કાળજી જણાતા જિલ્લા પોલીસવડાએ નવ જેટલા પોલીસ અધિકારી, કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની વિગતો અનુસાર તા.૭/૮/૧૮ના રોજ અંકલેશ્વરના ભાદી ગામે શૌકત ભાદીગર દ્વારા ખુલ્લામાં ચલાવવામાં આવતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા રેઈડ કરવામાં આવી હતી જેમાં જુગાર સ્થળેથી ૧૯ જુગારીઓની ધરપકડ કરી રોકડા રૂા.પ,પર,૦૦૦ તથા વાહનો અને મોબાઈલો મળી કુલ રૂા. રપ,પર,૧૬૭નો મુદ્દામાલ ઝડપી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. જો કે આ બાબતે સ્થાનિક પોલીસની નિષ્કાળજી જણાઈ આવતા જિલ્લા પોલીસવડાએ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.ના પી.આઈ.બી.એલ. વડુકર, પીએસઆઈ એસટી દેસલે, એ.એસ.આઈ. ગોપાલભાઈ લાલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ દુર્લભભાઈ, હેડ. કોન્સ્ટેબલ જીતેન્દ્ર કિશોરભાઈ, પો.કો. અરવિંદભાઈ વલુસિંગભાઈ, પો.કો. ઉદેસિંગભાઈ સુપડભાઈ, એલ.આર. પો.કો. સંજય સોનજીભાઈ, એલ આર પો.કો. માવજીભાઈ નાગજીભાઈને સસ્પેન્ડ કર્યા હતા જ્યારે એએસઆઈ બાલુભાઈ કાળાભાઈ એલસીબી ભરૂચની વેડચ પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે.