
(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
બોરસદ શહેરમાં કસારી રોડ પર ખેતરમાં ચાલતા જુગાર ધામ પર આજે વહેલી સવારે ચાર વાગ્યાનાં સુમારે બોરસદ ટાઉન પોલીસે છાપો મારતા જુગારધામના સંચાલક અને બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરતાં પીઆઈ અને કોન્સ્ટેબલ સહીત ચાર જણાંને ભાલો અને કુહાડી મારતાં ઈજાઓ પહોંચી હતી. જે બનાવ અંગે પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી તેમ વિરૂદ્ધ જુગારધારા,પોલીસની કામગીરીમાં અવરોધ, રાયોટીંગ, અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમજ મુખ્ય સુત્રધાર સહીત ત્રણ આરોપીઓ પાસેથી ૧૬૦ ગ્રામ ચરસ મળી આવતા પોલીસે નારકોટીકસ ધારા હેઠળ અલગથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર બોરસદ કસારી માર્ગ પર સ્કુલ નજીક આવેલા ખેતરમા ઓરડી બનાવીને અલીહુસેન સૈયદ નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારે ચાર વાગ્યાનાં સુમારે બોરસદ ટાઉન પોલીસ મથકના પીઆઈ એ આર પલાસ સહિત સ્ટાફે છાપો મારતા જુગાર ધામ ચલાવતા બુટલેગર અલીહુસેન સૈયદ સહીત ૧૧ જણાએ પોલીસ પર હુમલો કર્યો હતો. અલીહુસેન સૈયદ અને તેના સાગરીતોએ ભાલા અને તલવારો સાથે પોલીસ પર હુમલો કરતાં પીએસઆઈ એ આર પલાસને ડાબા હાથમાં તેમજ કોન્સટેબલ અનીરૂદ્ધસિંહને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ પ્રદિપસિંહ શીવુભાને પણ કુહાડી વાગતા ઈજાઓ પહોંચી હતી જયારે પો.કો સંજય ગણપતભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યાં બાદ અલીહુસેન સહિત ૧૧ શખ્સો ફરાર થઈ ગયાં હતાં. આ ઘટના બાદ ઘવાયેલા પોલીસ ઈન્સ્પેકટર એ આર પલાસ, કોન્સ્ટેબલ અનીરૂદ્ધસીંહ અને પ્રદીપસીંહને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટના બાદ પોલીસ ટાઉન પોલીેસે જિલ્લા પોલીસ કન્ટ્રોલને સંદેશો આપતાં એલસીબી, એસઓજી અને બોરસદ, ભાદરણ, વીરસદ, આંકલાવ પોલીસ મથકનો સ્ટાફ તેમજ પેટલાદના એેએસપી સંદીપ ચૌધરી સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જુગારધામ પરથી પોલીસે ૮.૧૧ લાખ રોકડા, મોબાઈલ ફોન અને વાહનો કબજે કરી પોલીસે સૈયદ ટેકરા વીસ્તારમાં અલીહુસેન સૈયદના ઘરે છાપો મારી અલીહુસેન બાકરઅલી સૈયદ, યુનુસમહંમદ અલીહુસેન સૈયદ, મોઈનઅલી ઈદ્રીસઅલી સૈયદ, સહિત નાઓને ઝડપી પાડ્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે ૧૧ આરોપીઓ અને અન્ય ટોળા વિરૂદ્ધ જુગારધારા તેમજ રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને પોલીસની કામગીરીમાં અડચણ કરવી સહિતનાં બે જુદા-જુદા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પકડાયેલા અલીહુશેન બાકરઅલી સૈયદ, યુનુસ અલીહુશેન સૈયદ, મોઈન ઈદ્રીસઅલી સૈયદ સહીત ત્રણ મુખ્યા આરોપીઓ પાસેથી ૧૬૦ ગ્રામ ચરસ કિંમત રૂા.૩૨,૦૦૦નો ઝડપી પાડી ત્રણેય જણા વિરૂદ્ધ નારકોટીકસ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારધામ પર દરોડા પાડયા બાદ પકડાયેલા આરોપીઓના પરિવારજનોએ પોલીસ પર ફાર્મ હાઉસ ઉપર ઘરમાં તોડફોડનો આક્ષેપ લગાવ્યો
અલીહુસેન બાકરઅલી સૈયદના હનીફા સ્કૂલ પાછળના તૈયાર થઈ રહેલાં ફાર્મ હાઉસમાં પર દરોડો પાડ્યો છે અને ત્યાંથી જ આરોપીઓને પકડયા હોવાનું સ્પષ્ટ કર્યાં બાદ અલીહુસેનના પરિવારજનોએ સમગ્ર બાબત પર પોલીસ પર આક્ષેપ કર્યો છે. પોલીસે એક જગ્યાએ નહીં પરંતુ ત્રણ જગ્યાએ જઈને તોડફોડ કરી છે. હનીફા સ્કુલ પાસે એક નહીં બે ફાર્મ હાઉસમાં રાત્રે જઈને સુઈ ગયેલા અલીહુસેન તેમના દિકરા તથા ભાઈને ઉઠાવીને લઈ ગયાં છે. જુગારધામ પરવાનગી સાથે ચાલતું હતું અને તેનો નિયમીત હપ્તો ચુકવાતો હતો. હપ્તાની રૂપિયામાં માંગ વધતાં પોલીસે આ કાર્યવાહી કરી છે. તેવો આક્ષેપ અલીહુસેન સૈયદની પુત્રવધુ સાજીયાબાનુએ કર્યો છે.