અમદાવાદ, તા.૩
બીજેપીના પૂર્વ નેતા જયંતી ભાનુશાળી પર નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા આજે હાઈકોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું અને સોગંદનામામાં ફરિયાદ આગળ ન ધપાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીડિતાના આ નિવેદન અંગે પણ પોલીસ તપાસ કરશે.
આ કેસ અંગેની વિગત એવી છે કે, સુરતની એક યુવતીએ જયંતી ભાનુશાળી વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જે મામલે સુરત ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઈનિંગના કોર્ષમાં એડમિશન મેળવવા માટે તેનો સંપર્ક જયંતી ભાનુશાળી સાથે થયો હતો. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે ગાડી ઊભી રાખીને પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને પીડિતાની વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. આ ઉપરાંત પીડિતાને અવાર-નવાર અમદાવાદ બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી કેસને આગળ ન લઈ જવાનો ઉલ્લેખ કર્યો છે અને બીજી બાજુ જયંતી ભાનુશાળી પોલીસ સમક્ષ હાજર નથી થયો અને ભાનુશાળી વિરૂદ્ધ સુરત પોલીસે બે સમન્સ મોકલ્યા હોવા છતાં તે પોલીસ સમક્ષ હાજર થયો નથી. બીજી બાજુ ભાનુશાળીએ પોતાના સામેની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં રીટ કરી છે. આ કેસની વધુ સુનાવણી ૭ ઓગસ્ટના રોજ હથ ધરવામાં આવશે.