અમદાવાદ, તા.૨૫
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચરાની ડમ્પસાઈટ એવી પીરાણા સાઈટ માનવ વસ્તી માટે ખતરારૂપ હોવાનુ ગંભીર તારણ ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટ દ્વારા આપવામા આવ્યુ છે આ સાથે જ આ વર્ષના જુલાઈ માસથી અત્યાર સુધીમા અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા આ સાઈટના કચરામાં અવારનવાર લાગતી આગને બુઝાવવા માટે ૧૦૦થી પણ વધુ પાણીની ટેન્કરનો ઉપયોગ કરવામા આવી ચુકયો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રોજ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સરેરાશ ૪૦૦૦થી ૪૨૦૦ મેટ્રીક ટન જેટલો ઘન કચરો એકઠો કરીને તેને પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચાડવામા આવી રહ્યો છે.છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી આ મુખ્ય ડમ્પસાઈટ ઉપર એકઠા કરવામા આવી રહેલા અમદાવાદ શહેરના ઘન કચરાને લઈને આજે આ સાઈટ ઉપર ૮૫ ફૂટથી પણ વધુની ઉંચાઈના ઘન કચરાના રીતસરના ડુંગર ખડકાઈ જવા પામ્યા છે.જેને લઈને આસપાસના ૫૦૦ મીટર કે તેથી વધુના રેડીયસ વિસ્તારમાં વસતા લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો થવા પામ્યો છે.ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટ દ્વારા આ વિસ્તારમાં તાજેતરમા એક સર્વે કરવામા આવ્યો હતો જે સમયે આ વિસ્તારમા અલગ અલગ સ્થળોએથી પાણીના સેમ્પલ લેવાની સાથે ભૂગર્ભ જળના પણ સેમ્પલ લેવામા આવ્યા હતા.બહાર પાડવામા આવેલા રિપોર્ટમા કહેવામા આવ્યુ છે કે આ સાઈટની આસપાસ આવેલા વિસ્તારોમાંથી કુલ મળીને ૩૦ જેટલા સેમ્પલ એકત્ર કરીને તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા હતા.જે પૈકી માત્ર ૧૦ ટકા સેમ્પલ જ સારા હોવાનુ તપાસમા બહાર આવવા પામ્યુ છે.જયારે ૨૬ ટકા સેમ્પલ અનફિટ હોવાનુ પુરવાર થવા પામ્યુ છે.બીજી તરફ આ સાઈટ ઉપર અવારનવાર ઘન કચરામા લાગતી આગને લઈને અમદાવાદ ફાયરબ્રિગેડને રોજ ત્યાં આગ બુઝાવવા વોટર ટેન્કર રાખવી ફરજિયાત બની ગયુ છે. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ કે,આ વર્ષે જુલાઈ માસથી અત્યાર સુધીમા ૧૦૦ થી વધુ પાણીના ટેન્કર વિભાગ તરફથી કચરામા લાગેલી આગ બુઝાવવા વપરાશમા લેવાયા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સિનીયર અધિકારીના કહેવા પ્રમાણે આ ઘન કચરાની નીચે ડ્રીલીંગ કરી તેની નીચે રહેલા ગેસને બહાર કાઢવાની પધ્ધતિ ઉપર હવે વિચારણા શરૂ કરવામા આવી છે. આ અગાઉ કેપીંગ પધ્ધતિથી કચરાને ઢાંકવાની રૂપિયા ૬૦૦ કરોડની દરખાસ્ત હાલ પૂરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભરાઈ ઉપર ચઢાવી દેવામા આવી છે.