પિતા-પુત્ર ઉપર ખાનગી ગોળીબારના બનાવમાં આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે કલે.ને આવેદન

પાટણ, તા.પ
સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામની સીમમાં આવેલ જમીનના કબજા મામલે ઠાકોર વિકાસ નિગમના ચેરમેન સહિત પાંચ શખ્સોએ સરકારી ગાડીમાં ધસી આવી દશાવાડા ગામે પિતા-પુત્ર ઉપર ખાનગી ગોળીબાર કરી ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બંને પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ કેસમાં ભીનુ સંકેલવા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપી દેવા ભાજપ સરકારના એક મંત્રી અને સ્થાનિક આગેવાન દ્વારા દબાણની રાજનીતિ અપનાવવામાં આવતા આજે ભોગ બનનારના પરિવારજનો તથા ગામ લોકોએ પાટણ ખાતે આવી જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણા કરી આરોપીઓની તાકીદે ધરપકડ કરવાની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તા.૧૮/૮/ર૦૧૭ના રોજ ધનાવાડા ગામના ઠાકોર ઉદેસિંહ હાલાજી તથા તેમના પુત્ર ધર્મેશજી ઠાકોર ઉપર જમીનની અદાવતમાં ભાજપના અગ્રણી એવા ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી વાઘાજી સહિતના પાંચ શખ્સોએ સરકારી ગાડીમાં ધસી આવી ખાનગી ગોળીબાર કર્યો હતો અને ઘાતક હથિયારો વડે હુમલો કરતા બંને પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થતાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેઓની હાલ સારવાર ચાલુ છે. છતાં ભાજપ સરકારના એક મંત્રી અને જિલ્લા ભાજપના આગેવાન દ્વારા ડોક્ટરો ઉપર દબાણ લાવી રજા આપવાની પેરવી કરવામાં આવી રહી છે. રાજકીય વગનો ઉપયોગ કરી કેસમાં ભીનુ સંકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાવ અંગે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. ગામ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે નંદાજી ઠાકોર સહિત પાંચે હુમલાખોરોની તાકીદે ધરપકડ કરવામાં આવે અને ઈજાગ્રસ્તો સંપૂર્ણ સ્વસ્થ બને ત્યારબાદ જ રજા મળે તેવી સૂચના આપવા માગણી કરી હતી. ગામ લોકોએ પત્રકારો સમક્ષ આક્ષેપ કરી જણાવ્યું હતું કે ભાજપ સરકારના નેતાઓ અને આગેવાનો હુમલાખોરોને છાવરી રહ્યા છે. તેમજ કેસને રફેદફે કરવા મથી રહ્યા છે જેને લઈ કલેક્ટર કચેરીના કેમ્પસમાં ઉપસ્થિત ગામ લોકોએ ભાજપ સરકાર અને ચેરમેન વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કરતા થોડીક ક્ષણો માટે ઉત્તેજના છવાઈ ગઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks