(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના ડિંડોલીમાં રહેતી એક પરિણીતાના શંકાસ્પદ મોતની ઘટનામાં વતન બિહારથી આવેલા તેણીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, સ્વીફ્ટ કારની માંગણી કરી પતિ,નણંદ તથા નણંદોઇ દ્વારા તેણી પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો અને તેઓ ભેગા મળીને તેણી હત્યા કરી નાંખી છે. સ્મીમેર હોસ્પિટલમાં પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલીના કરાડવા રોડ પર આવેલા સારાક પેલેસમાં રહેતી પરિણીતા સચીકુમારી પ્રદિપ ઉપાદ્યાય (ઉ.વ.૨૨)ને ગત રોજ પેટમાં દુખાવવાની સાથે પતિ સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું.પુત્રીનાં મોતના દુઃખદ સમાચાર મળતા પિતા અશોક ઓઝા પોતાના વનત બિહાર ભોજપુર ખાતેથી આજે સવારે સુરત દોડી આવ્યા હતા.સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગ પર સિચીકુમારીના પિતા અને અન્ય સગા સંબંધીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, રુચિના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ પ્રદિપ ઉપાદ્યાય નેવીમાં છે પરંતુ લગ્નના બે મહિના બાદથી તેઓ સ્વિફ્ટ કારની માંગણી કરી તેણી પર દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા હતા. એટલું જ નહીં માંગણી પુરી નહીં થાય તો છુટાછેડા આપવાની ધમકીઓ આપતા હતા. પતિ તથા સાસુ, શાંતિ દેવી નણદ રુપાદેવી અને રીન્કુ તેમજ નણદોઇ ભેગા મળીને તેણી પર ત્રાસ ગુજારી સતત દબાણમાં રાખી રહ્યા હતા અને તેઓએ ભેગા મળી તેણીને મારી નાંખી છે. વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર પરિણીતાનું બરોડ ફાટી ગયું છે. તેમજ તેના પેટમાં ઇજાના કારણે હેમરેજ થયું છે. આ સિવાય હાથ પગ ઉપર પણ શંકાસ્પદ નિશાન મળી આવ્યા છે. જો કે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જે આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.ડિંડોલી પોલીસ આગળની વધુ તપાસ શરૂ કરી રહી છે.