(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
ઉ.પ્ર. સરકારે સુપ્રીમકોર્ટમાં તાજના રક્ષણ માટે ડ્રાફટ વિઝન દસ્તાવેજ રજૂ કર્યો. સરકારે જણાવ્યું કે, તાજમહેલના સમગ્ર પરિસરને ‘પ્લાસ્ટિકરહિત ક્ષેત્ર’ જાહેર કરવામાં આવશે. પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો બંધ કરાવવામાં આવશે. ૧૧મી જુલાઈએ સુપ્રીમકોર્ટે ઉ.પ્ર. સરકારની તીખી ઝાટકણી કાઢી હતી. સરકાર દ્વારા તાજમહેલની દેખરેખ માટે પુરતા પગલાં નહીં લેવાતા કોર્ટે નારાજગી દર્શાવી આદેશ કર્યો કે યોગ્ય યોજના રજૂ કરવામાં આવે જેનાથી અમને લાગે કે તાજમહેલનું રક્ષણ કરી શકાશે. સરકારની બેદરકારીથી આપણા દેશમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. ઉ.પ્ર. સરકાર વતી વકીલે ડ્રાફટ રજૂ કરવાની પરવાનગી માંગતા કોર્ટે મંજૂરી આપી હતી. ડ્રાફટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે. તાજની ફરતે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવી એના બદલે પ્રવાસીઓ માટે સગવડો ધરાવતા કેન્દ્રો બનાવાશે. તાજ ફરતે ઘટાડવા માટે ટ્રાફિક મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવશે. પગે ચાલનારાઓને પ્રોત્સાહન અપાશે. યમુના રિવરફ્રન્ટના રોડને એ રીતે વિકસાવવામાં આવશે જેથી ટ્રાફિક ઓછો રહે. યમુના ફલડ પ્લેન વિસ્તારમાં કોઈપણ પ્રકારના બાંધકામની મંજૂરી આપવામાં નહીં આવશે. નદી કિનારે ફકત કુદરતી વૃક્ષારોપણને જ પ્રોત્સાહન અપાશે. તાજમહેલ વિસ્તારનો વિકાસ સુપ્રીમકોર્ટની નિગરાની હેઠળ થઈ રહ્યો છે.