(એજન્સી) પટના, તા.૪
ર૦૧૯ની લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ નેતાઓનું વાક યુદ્ધ વધી રહ્યું છે. પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સી.એમ. નીતીશકુમારની જનસભા બાદ રાજ્યના વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. રવિવારે રેલીમાં પીએમે આર.જે.ડી. સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર કટાક્ષ કર્યો હતો. ત્યારબાદ લાલુના મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી તેજપ્રતાપ યાદવે પીએમ પર વળતો પ્રહાર કર્યો છે. તેજપ્રતાપે એક ફોટો શેર કરતા પી.એમ.ને ‘જુમલાના સરદાર’ અને બિહારના સી.એમ.ને. ‘પલટુરામ’ કહીને નિશાન તાક્યું છે. આર.જે.ડી. નેતાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘જુમલાના સરદાર અને બિહારના પલટુરામ બંનેને બિહારની જનતાએ નકારી કાઢ્યા છે. ગાંધી મેદાનમાં મોદીના ફ્લોપ શો બાદ, એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ર૦૧૯માં તેમની જુમલાઓની દુકાન બંધ થઈ જવાની છે.’ ઉલ્લેખનીય છે કે, વિપક્ષના નેતા ૧પ લાખ રૂપિયાના નિવેદનને ચૂંટણીલક્ષી જુમલો ગણાવ્યા બાદથી જ ભાજપા નેતાઓ પર નિશાન તાકી રહ્યા છે. બીજી તરફ, ગત વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.નો. સાથ છોડીને મહાગઠબંધન દ્વારા લડનારા નીતીશકુમારે વિવાદને કારણે પુનઃ ભાજપા સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારપછી જ કોંગ્રેસ અને આર.જે.ડી.ના નેતાઓ તેમને ‘પલટુરામ’ કહીને તેમના પર કટાક્ષ કરી રહ્યા છે. રવિવારે યોજાયેલી રેલીની સાથે લોકસભા ચૂંટણી માટે બિહારમાં એન.ડી.એ. દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં મંચ પર પી.એમ. મોદી અને નીતીશકુમાર ઉપરાંત લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ભાજપના બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત હતા. બિહારની ૪૦ લોકસભા બેઠકોમાંથી ૧૭-૧૭ પર ભાજપા-જેડીયુ અને ૬ પર એલ.જે.પી. ચૂંટણી લડી રહી છે.