(એજન્સી) મુંબઇ, તા. ૪
કોરોના રોગચાળા વચ્ચે થાળી વગાડ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ આ રવિવારે પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે ઘરની બાલ્કનીમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. આ અંગે મહારાષ્ટ્રના વિજળી મંત્રી ડોય નિતિન રાઉતે વડાપ્રધાનને આ અંગે ફરી વિચારવા કહ્યું છે. નિતિન રાઉતે મોદીની સલાહ અંગે કહ્યું છે કે, જો દેશમાં તમામ લાઇટો એક સાથે બંધ કરવામાં આવે તો આનાથી ગ્રિડ ફેલ થઇ શકે છે. અહેવાલો અનુસાર નિતિન રાઉતે કહ્યું છે કે, આવી સ્થિતિમાં તમામ ઇમરજન્સી સેવાઓ પણ બંધ થઇ જશે અને આને ચાલુ કરવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. મહારાષ્ટ્રન વિજળી મંત્રીએ કહ્યું છે કે, તમામ લાઇટો એકસાથે બંધ થઇ જવાથી માગ અને સપ્લાયમાં ભારે અંતરને કારણે ફ્રિકવન્સીમાં અસર પડશે. કેમ કે, વર્તમાનમાં રાજ્યમાં વિજળીની માગ૨૩ હજાર મેગાવોટથી ઘટીને ૧૩ હજાર મેગાવોટ પર આવી ગયું છે. આવું ઉદ્યોગોના બંધ થવાને કારણે થયું છે. એક સાથે તમામ લાઇટો બંધ થવાથી ગ્રિડ પર અસર પડવાને કારણે પાવર સ્ટેશન બંધ થઇ શકે છે. જો પાવર સ્ટેશન બંધ થશે તો તેની સીધી અસર ઇમરજન્સી સેવાઓ એટલે કે, હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પર પણ પડી શકે છે. તેને પૂર્વવત કરવામાં ૧૨થી ૧૬ કલાક લાગી શકે છે. તેથી વિજળી મળતી રહે તે માટે એક સાથે તમામ લાઇટો બંધ કરશો નહીં. કોરોના વિરૂદ્ધ ચાલી રહેલા જંગમાં વિજળી મહત્વનું હથિયાર છે. રાઉતે તમામ રાજ્યોને અનુરોધ કર્યો છે કે, વિજળી પર નિયંત્રણ જાળવી રાખવામાં સહયોગ કરો.