(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાન સૂફી કવિ અને સંત કબીર દાસની ૫૦૦મી પુણ્ય તિથિ ઉજવવા ગુરૂવારે મગહાર ખાતે એક જાહેર સભા સંબોધશે અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનો શિલાન્યાસ કરશે. નવી દિલ્હીમાંથી અપાયેલા સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી કબીરની ‘મઝાર’ પર ‘ચાદર’ પણ ચડાવશે. વડાપ્રધાન આ દરમિયાન સંત કબીર ગુફાની મુલાકાત લેશે અને સંત કબીર એકેડેમીની આધારશીલા મુકશે જે મહાન સંત કબીરના મૂલ્યો અને ફિલસૂફીની ઝાંખી કરાવશે. પોતાની ‘માસિક મન કી બાત’માં તેમણે ૧૫મી સદીના કવિ અને સંત કબીર દાસની માન્યતાઓને યાદ કરતા તેમના ફાળાને બિરદાવ્યો હતો. આ અંગે ભાજપના ઝોનલ ઉપાધ્યક્ષ સત્યેન્દ્ર સિંહાએ કહ્યું હતું કે વડાપ્રધાને ૨૦૧૪માં ગોરખપુરની ગૌરક્ષપીઠમાંથી એક સંદેશ આપ્યો હતો જેના સકારાત્મક પરિણામ રહ્યા હતા તે જ રીતે તેઓ આ વખતે કબીર દાસની મઝારથી સંદેશ આપશે. તેમણે કહ્યું કે, રાજ્યની સાત જિલ્લાની જનતા સાથે પાર્ટી સંપર્ક કરી રહી છે.