(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન મોદીએ ગુરૂવારે હિમાચલના કાંગડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે પરંતુ જ્યારે તેના પોતાના મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે અને રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી લાફિંગ ક્લબ બની ગઈ છે. કાંગડાના રેહાનમાં જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે જેમણે હિમાચલની લૂંટ ચલાવી તેમને વિદાય આપવાનો વખત આવી ગયો છે. જનતા હિમાચલમાં રેકોર્ડબ્રેક મતદાનથી ભાજપની સરકાર બનાવે. ત્યારે કોંગ્રેસને બોધપાઠ મળશે. મોદીએ જનતાને અપીલ કરી કે ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને સજા આપવી જોઈએ. મોદીએ કહ્યું કે કોંગ્રેસ મહાત્મા ગાંધીની પાર્ટી રહી નથી. કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવનાર પાર્ટી બની છે. કોંગ્રેસ પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે કોંગ્રેસની હિંમતની દાદ આપવી પડશે. કંઈક બચ્યું નથી તોય લોકોને સ્પષ્ટતા આપી રહી છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ હવે એક લાફિંગ ક્લબ બની ગઈ છે. તેમણે કહ્યું કે તમારા મુખ્યમંત્રી કયા મુદ્દે જમાનત પર છે. મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લાગ્યાં છે. તેમ છતાં પણ તેઓ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો દેખાડી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે કોંગ્રેસની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર પ્રત્યે તેમનું વલણ જરા પણ સાંખી નહીં લેવાનું હોય. હવે તમે જણાવો કે આ તેમની હિંમત જ છે. બીજા કોઈ પક્ષના નેતા હોત તો તેઓ મોંઢું સંતાડીને ભાગી ગયાં હોત. પીએમે કહ્યું કે કોંગ્રેસ સરકારે હિમાચલમાં પાંચ રાક્ષસને જન્મ આપ્યો છે અને પહેલા રાક્ષસ ખનન માફિયા, જેનાથી દેવભૂમિની છાતી ચારણી બની રહી છે, બીજો વન માફઇયા છે જેઓ જંગલની લૂંટી રહ્યાં છે અને પ્રાકૃતિક સંસાધનોને નષ્ટ કરી રહ્યાં છે. ત્રીજો દાનવ ડ્રગ માફિયા છે જે આપણી પેઢીને તબાહ કરી રહ્યો છે. મોદીએ લોકોને પૂછ્યું કે ડ્રગ માફિયા તમારા ઘરમાં યુવાનોને નથી તબાહ કરી રહ્યાં આવા ડ્રગ માફિયાઓનો ખાતમો થવો જોઈએ. તેમણે કહ્યું કે ડ્રગ માફિયાની સામે ભાજપ સરકાર ઉગ્રતાથી કામ કરશે. ચોથો રાક્ષસ ટેન્ડર માફિયા છે. ટેન્ડરમાં સગાવાદ ચાલી રહ્યો છે. મોદીએ લોકોને સવાલ કર્યો કે આ ટેન્ડર માફિયાથી મુક્તિ મળવી જોઈએ કે નહીં. ટેન્ડર યોગ્ય લોકોને મળવું જોઈએ. હિમાચલને ટેન્ડર માફિયાથી મુક્ત કરવાનું છે. પાંચમો રાક્ષસ ટ્રાન્સફર માફિયા છે. કોઈને બદલી કરવી હોય તો બોલી લાગે છે જેઓ પૈસા લઈને બદલી કરે છે તે તમારૂ શું ભલુ કરવાના હતા.