(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, દસોલ્ટે રાફેલ સોદામાં થયેલા કરાર અનુસાર અનિલ અંબાણીન કંપનીને રૂપિયા ૨૮૪ કરોડ પહોંચાડ્યા છે અને આ સોદાનો પ્રથમ હપ્તો છે. પાર્ટીના મુખ્યમથકે યોજેલી પત્રકાર પરિષદ દરમિયાન રાફેલ ડીલ પર પીએમ મોદી પર સીધા પ્રહારોમાં એક ડગલું આગળ વધતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે, ફ્રાન્સ પાસેથી ફાઇટર જેટ ખરીદવાના નિર્ણયમાં મોદી આદેશ આપશે તેમાં કાંઇ છૂપાવવા જેવું નથી. આ સોદામાં જો તપાસ ચાલુ થશે તો મોદી તેમાંથી બચી શકશે નહીં તેની હું ગેરંટી આપું છું.
કોંગ્રેસના અધ્યક્ષરાહુલ ગાંધી આરોપ લગાવ્યો હતો કે, અગાઉ સોદા અનુસાર અનિલ અંબાણીની રિલાન્ય ડિફેન્સને પ્રથમ હપ્તા તરીકે દસોલ્ટ એવિએશને ૨૮૪ કરોડ રૂપિયા પહોંચાડ્યા છે અને દાવો કર્યો હતો કે, વડાપ્રધાન રાફેલ સોદામાં જો તપાસ ચાલુ થશે તો પગલાંના ભયથી રાતે ઉંઘી નહીં શકે. તેમણે એવો પણ આરોપ મુક્યો કે, રાફેલ સોદાની તપાસ કરવા માગતા હોવાથી સીબીઆઇના અધ્યક્ષ પદેથી આલોક વર્માને હટાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના આ પ્રહારો સામે કેન્દ્ર સરકાર તથા અનિલ અંબાણીની કંપની તરફથી કોઇ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, રાફેલ સોદામાં લગાવાયેલા આરોપોને તેઓ પહેલા ફગાવી ચુક્યા છે. નોંધનીય છે કે, દસોલ્ટ એવિએશનના સીઇઓ એરિક ટ્રેપરે કહ્યું છે કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને બદલે અનિલ અઁંબાણીની રિલાયન્સ એવિએશનને કોન્ટ્રાક્ટ આપવાનું કારણ છે અને તેઓ પ્રોજેક્ટ માટે એરપોર્ટ નજીક જમીન ખરીદવા માગતા હોવાથી આ નાણા દસોલ્ટ એવિએશને તેમને આપ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સીઇઓ જુઠ્ઠુ બોલી રહ્યા છે, સૌૈથી મોટો સવાલ એ છે કે, ફક્ત આઠ લાખ રૂપિયાની માથાદીઠ આવક ધરાવનારાઓને ૨૮૪ કરોડ રૂપિયાનું રોકાણ કંપની કેવી રીતે કરી શકે છે જેમાં રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટને ટાંકતા કહ્યું કે, નુકસાન કરતી અનિલ અંબાણીની કંપનીની ભાગીદારી ખરીદવા માટે ફ્રાન્સની ડિફેન્સ કંપનીએ ૪૦ મિલિયન યુરો અથવા ૨૮૪ કરોડ રૂપિયાનું મસમોટું રોકાણ કર્યું છે. તો શા માટે સીઇઓ જુઠ્ઠું બોલી રહ્યા છે કારણ કે તેઓ એક વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરે છે જે આ દેશ ચલાવે છે અને તે છે મોદી. રાફેલ એક ખુલ્લો અને બંધ કેસ છે અને તેમાં ફક્ત એક જ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો છે.
રાફેલ સોદામાં PM મોદી-અનિલ અંબાણીની ભાગીદારી’ છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, ખોટ કરતી અનિલ અંબાણીની કંપનીમાં શા માટે દસોલ્ટ એવિએશને નાણા રોક્યા છે. આ નાણાથી અનિલ અંબાણીએ જમીન ખરીદી છે. આનાથી સાબિત થાય છે કે, રાફેલ સોદામાં પીએમ મોદી અને અનિલ અંબાણી વચ્ચે રાફેલ સોદામાં ભાગીદારી છે.દસોલ્ટ એવિએશને આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નાગપુરમાં એરપોર્ટ નજીક જમીન હોવાને કારણે દસોલ્ટે રિલાયન્સ એવિએશનને પસંદ કરી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે કરાર ન કર્યો. આ અહેવાલને રદિયો આપતા કોંગ્રેસના અધ્યક્ષે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસે રિલાયન્સ ડિફેન્સ કરતા ઘણી વધારે જમીન છે. દસોલ્ટે એવો દાવો કર્યો હતો કે, અનિલ અંબાણી પાસેજમીન હોવાથી આ કોન્ટ્રાક્ટ તેને અપાયો છે અને હવે તે કહે છે કે, અનિલ અંબાણીએ દસોલ્ટે આપેલા નાણાથી જમીન ખરીદી છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું કે, રાફેલ સોદામાં સ્પષ્ટ દેખાઇ આવે છે કે, પીએમ મોદી અને અનિલ અંબાણીની ભાગીદારી છે.