(એજન્સી) તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટનેસ વીડિયો અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂર અને માહિતી તથા પ્રસારણમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ વચ્ચે ટિ્વટર પર વાકયુદ્ધ છંછેડાયું હતું. થરૂરે એક સમાચારનો હવાલો આપતાં કહ્યું હતું કે વડાપ્રધાનના યોગ કરતા વીડિયો પાછળ ૩૫ લાખ રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવ્યા તો રાઠોડ તેના જવાબમાં કહ્યું હતું કે તેની પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરાયો નથી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે યોગ દિવસના અવસરે જાહેરાતો પાછળ ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરી દેવાયો. જોકે વડાપ્રધાનના ફિટનેસ વીડિયો પાછળ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો. આ સરકારમાં આશાની જગ્યાએ ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આશાઓ તેમણે રોળી જ નાખી છે. તેના જવાબમાં રાઠોડે કહ્યું કે શ્રી થરૂરજી, જૂઠ તમારા માટે તથ્યોનો વિકલ્પ બની ગયો છે. વડાપ્રધાનના વીડિયો પર કોઈ પૈસો ખર્ચ નથી કરાયો. આ વડાપ્રધાનના કાર્યાલયના વીડિયોગ્રાફર દ્વારા રેકોર્ડ કરાયો હતો. તેના પર થરૂરે કહ્યું કે આ સાંભળીને ખુશી થઇ કે વીડિયો પર પૈસા ખર્ચ કરાયા નથી. પરંતુ આ સરકારે ઉપલબ્ધિના નામે આપેલી જાહેરાતો માટે કરદાતાઓના ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની ચેલેન્જને સ્વીકારતાં પીએમ મોદીએ ૨૪ મેના રોજ જવાબમાં લખ્યું હતું કે તે જલદી જ પોતાનો વીડિયો શેર કરશે. તેના બાદ વડાપ્રધાને યોગનો વીડિયો શેર કર્યો હતો. તેમણે ટિ્વટમાં લખ્યું હતું કે હું ટ્રેક પર ચાલુ છું. જેમાં પંચતત્વના ૫ તત્વ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ તાજોમાજો કરી દે છે અને હું શ્વાસનો અભ્યાસ કરું છુું. અગાઉ યુવા અને ખેલ બાબતોના મંત્રી ઓલિમ્પિક વિજેતા રાજ્યવર્ધનાસિંહ રાઠોડે ટિ્વટર પર ફિટનેસ ચેલેન્જ આપી હતી. તેમણે એક વીડિયો શેર કર્યો જેમાં તે બ્રેક વિના પુશ અપ કરતા હતા. તેની સાથે તેમણે તમામ ફિટનેસ મંત્ર બતાવતા વીડિયો શેર કરવાની અપીલ કરી હતી.