(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી લાઇવ વીડિયો દ્વારા સુરતની હરેક્રૃષ્ણ ડાયમંડ કંપનીના કર્મચારીઓને પ્રવચન આપ્યું હતું. એચઆરકેના દિવ્યાંગ મહિલા કાજલબેન સોરઠિયા સહિત ૪ કર્મચારીને મોદીએ દિલ્હીમાં કારની ચાવી અર્પણ કરી હતી. સુરતમાં એચઆરકેના ૬૦૦ કર્મચારીને કાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની ડાયમંડના દિવ્યાંગ મહિલા કર્મચારી કાજલ સોરઠિયાને કારની ચાવી આપી ત્યારે કાજલના ચહેરા પર પ્રસન્નતા છલકી ઉઠી હતી. હરિક્રિષ્ણા ડાયમંડ દ્વારા સારી કામગીરી કરવા માટે ૬૦૦ કર્મચારીને બોનસ રૂપે કાર ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા કહ્યું હતું કે, આ સ્કીલ ડેવલપમેન્ટની ઉત્તમ કામગીરી અને કદર છે. સવજી ધોળકિયા સ્કીલ ઇન્ડિયા દ્વારા સારા માણસો બનાવવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. સુરતમાં ઇચ્છાપોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરારી બાપુ, રમેશભાઇ ઓઝો અને રવિશંકરના પ્રેરણાદાયી પ્રવચનો વીડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કંપનીના કર્મચારીઓને પરિવારજનોની હાજરીમાં કાર આપવામાં આવી હતી.