(એજન્સી) રાંચી, તા.૧૪
ભારતમાં ખ્રિસ્તીઓના સૌથી મોટા સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે કે ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ દ્વેષ ફેલાવી રહ્યાં છે. પીએમ મોદીને પત્ર લખીને તેમને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને દ્વેષનો અંત લાવવા વિનંતી કરી છે. ભારતમાં રોમન કેથલિક ખ્રિસ્તિઓના સૈૌથી મોટા સંગઠન કેથલિક બિશપ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પીએમ મોદીને આ અપીલ કરી છે. સખત શબ્દોમાં લખવામાં આવેલા આ પત્રમાં સંગઠનના મહાસચિવ થિઓડોર માસ્કારેહંસે કહ્યું છે કે તેઓ ઝારખંડમાં થઇ રહેલા નફરતના રાજકારણથી પરેશાન છે, જેનાથી મજબૂર થઇને તેમણે આ પત્ર લખવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ ઝારખંડ સરકારે ધર્મ પરિવર્તન રોકવા માટે ૧૨ ઓગસ્ટના રોજ એક બિલ પાસ કર્યું હતું. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર માસ્કારેંહસ કહ્યું હતું કે ઝારખંડમાં ૨૦૧૪ની ચૂંટણીમાં પીએમ મોદીએ પોતે જ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેમણે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરી હતી. ત્યારબાદ રઘુવરદાસ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેમણે ખ્રિસ્તી સમુદાય વિરૂદ્ધ વિકૃતિગત હુમલાઓ શરૂ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે જો સીએમ દ્વેષની વિચારધારાને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે તો હવે તેમણે વિદાય લેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓ વિરુદ્ધ ફેલાવવામાં આવેલી નફરત, ટૂંક સમયમાં હિંસામાં તબદીલ થઇ શકે છે. માસ્કારેંહસ કહ્યું કે રઘુવરદાસ અને તેમના સલાહકારોંમાં પાછલા કેટલાંક સમયથી જોવા મળી રહ્યું છે કે જે વિચારધારાની તમે ઘોષણા કરી હતી તેનાથી આ લોકોને કોઇ લેવાદેવા નથી. તેથી ઝારખંડના સીએમ દ્વારા ફેલાવવામાં આવેલા દ્વેષના મામલે તમે હસ્તક્ષેપ કરીને આ દ્વેષનો અંત લાવવા માટે હું તમને વિનંતી કરૂં છું.