(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
તેલુગુદેશમ પાર્ટી અને કોંગ્રેસ સહિત જુદા જુદા વિપક્ષી દળો દ્વારા સરકારની વિરૂધ્ધ રજુ કરવામાં આવેલા પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (ર૦ જુલાઈ) વિપક્ષી કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે, ગત ચાર વર્ષોમાં દેશમાં થયેલા વિકાસના આટલા કાર્યો છતાં અહંકારને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમને સવા સો કરોડ દેશવાસીઓએ પસંદ કર્યા છે અને અહીંયાથી ના તો કોઈ ઉઠાવી શકે છે અને ના તો બેસાડી શકીએ છીએ.
ત્યારબાદ ટી.ડી.પી.ના સાંસદ કેસિનેની શ્રીનિવાસને બોલવાની તક આપવામાં આવી, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના થોડા સમય પહેલા ટી.ડી.પી.ના સાંસદે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા પી.એમ. મોદી પર કટાક્ષ કરતા આકરા પ્રહારો કર્યા. લોકસભામાં મોદી સરકારની વિરૂધ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપવાના વડાપ્રધાનના અંદાજ પર કટાક્ષ કરતા ટીડીપી સાંસદ શ્રીનિવાસે કહ્યું કે પી.એમ. મોદી દુનિયાના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે. ટીડીપી સાંસદે લોકસભામાં મોદીના ભાષણ બાદ અધ્યક્ષ સુમિત્રા મહાજન પાસે થોડો સમય માગીને આ વાત કહી. તેમણે કહ્યું કે, હું પી.એમ.ને પોતાની વાત રજૂ કરવા માટે તેમના મહાન કૌશલ્ય માટે અભિનંદન પાઠવુ છું. દોઢ કલાકનું તેમનું ભાષણ કોઈ બોલીવુડ બ્લોકબસ્ટર જેવું હતું. ગ્રેટ ડ્રામા, ગ્રેટ એકશન સુમિત્રા મહાજને શ્રીનિવાસને માત્ર પાંચ મિનિટનો સમય આપ્યો હતો, પરંતુ તેઓ ૩૦ મિનિટ સુધી બોલ્યા.