(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
વડાપ્રધાન મોદીની અજમેર રેલી માટે ત્રણ રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત ફેરવવાના આરોપોનો સામનો કર્યા બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ચૂંંટણી પંચ સામે આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ ચૂંટણી પંચની મનસા સામે સવાલ ઉભા કર્યા હતા જેમાં તેમણે ત્રણ મુંઝવણ રજૂ કરી હતી. ‘‘૧. પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર કરવા ચૂંટણી પંચે ૧૨.૩૦ વાગે પત્રકાર પરિષદનો સમય આપ્યો. ૨. પીએમ મોદી બપોરે ૧ વાગે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ૩. ભારતીય ચૂંટણી પંચે અચાનક જ પત્રકાર પરિષદનો સમય બદલી બપોરે ૩.૦૦ વાગ્યાનો કરી નાખ્યો. ચૂંટણી પંચની સ્વતંત્રતા ?’’ આ પહેલા સમાચાર એજન્સીએ કહ્યુ હતું કે, મોદી અજમેરમાં રેલી યોજશે. ચૂંટણી પંચ પર આરોપ છે કે, મોદીને મદદ કરવાના આશયથી ચૂંટણી પંચે તારીખો જાહેર કરવાનો સમય બદલી નાખ્યો. ચૂંટણી પંચે જો ૧૨.૩૦ વાગ્યે ચૂંટણીની તારીખો જાહેર કરી હોત તો તે જ સમયથી રાજ્યોમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જાય છે તેથી એવું માનવામાં આવે છે કે, મોદી મતદારોને લોભાવવા માટે યોજનાઓ અને અન્ય લાભોની જાહેરાત કરી શક્યા ન હોત. ચૂંટણી પંચની જાહેરાતના સમયને બદલવા અંગે કોંગ્રેસે કહ્યું છે કે, આચારસંહિતા ભંગના પરિણામો માટે મોદી ચિંતિત નહીં હોય. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ચૂંટણી પંચે હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી પણ મોદી ગુજરાતમાં પ્રચારમાં હોવાથી ગુજરાતની તારીખો જાહેર કરી ન હતી ત્યારે પણ ચૂંટણીની કાર્યપ્રણાલી શંકામાં ઘેરામાં આવી હતી.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ મૂક્યો ; ‘રાજકારણીઓને દરેક બાબતમાં રાજનીતિ દેખાય છે’ : ચૂંટણી પંચ
વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત માટે પત્રકાર પરિષદનો સમય ફેરવવા માટે ચૂંટણી પંચ આરોપ મુકતા ભારતીય ચૂંટણી પંચે શનિવારે તેના પર કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાના નિવેદનને ટાંકતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાજકારણીઓ રાજકીય જીવો છે અને તેઓએ દરેક બાબતમાં રાજનીતિ જોવી પડે છે કારણ કે, આ તેમનું રાજકીય સ્વભાવ છે. અમારે આ અંગે કોઇ નિવેદન આપવું નથી.’ મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદના સમયને અંતિમ ઘડીએ બદલવા બદલ માફી માગી હતી અને સમય ફેરવવા અંગેના કારણોની માહિતી આપી હતી. તેણે ત્રણ કારણ દર્શાવ્યા હતા. ૧. તેલંગાણાની મતદાર યાદીને તૈયાર કરવાની સમયમર્યાદાનું અંતિમ ઘડીએ મુલ્યાંકન. ૨. તેલંગાણા મતદાર યાદીને પહેલા દેખાડવાના હાઇકોર્ટના નિર્દેશ પેન્ડીંગ હતા. ૩. પેટાચૂંટણી મોડી યોજવા રાજ્યની વિનંતી હતી. આ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચે રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન મોદીની રેલી હોવાથી તારીખો જાહેર કરવાના પત્રકાર પરિષદના સમયમાં ફેરફાર કર્યો હતો અને ચૂંટણી પંચ પર પક્ષપાતી હોવાનો આરોપ મુક્યો હતો. સાથે જ તેણે પંચની જેમ ત્રણ નિષ્કર્ષ આપ્યા હતા જેમાં ૧. પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર કરવા આજે ચૂંટણી પંચે ૧૨.૩૦ વાગે પત્રકાર પરિષદ બોલાવી હતી. ૨. રાજસ્થાનના અજમેર ખાતે પીએમ મોદી આજે એક વાગે સભા સંબોધવાના હતા. ૩. ચૂંટણી પંચે અચાનક જ જાહેરાતનો સમય બદલી પત્રકાર પરિષદ ત્રણ વાગે બોલાવી. શું આ સ્વતંત્ર ચૂંટણી પંચ છે ?
પત્રકાર પરિષદ યોજવામાં વિલંબ કરવા પીએમે ચૂંટણી પંચ પર દબાણ કર્યું : સૂરજેવાલા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મુક્યો હતો કે, તેઓ રાજસ્થાનમાં સભાને સંબોધવાના હોવાને કારણે મોદીએ પાંચ રાજ્યોની ચૂંટણીઓ જાહેર કરવામાં વિલંબ કરવા ચૂંટણી પંચ પર દબાણ કર્યું હતું. ચૂંટણી પંચ શનિવારે બપોરે ૧૨.૩૦ વાગે પત્રકાર પરિષદ કરવાની હતી પણ બાદમાં અચાનક તેણે સમયમાં ફેરફાર કર્યો હતો. સૂરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે પોતાનો ખુલાસો અગાઉથી ઘડી કાઢ્યો હતો. રેલીને સંબોધવાના હોવાને કારણે ચૂંટણી પંચ પર દબાણ કરવાના વડાપ્રધાન મોદી દોેષિત છે. મોદીની રેલી માટે ચૂંટણી પંચને રાહ જોવડાવી હતી. જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, અધિકારીક કામ હોવાને કારણે પત્રકાર પરિષદમાં વિલંબ થયો હતો. સૂરજેવાલાએ કહ્યું કે, રાજસ્થાનમાં રેલીને એક વાગે સંબોધવા માટે મોદીને રાહત આપી હોવાનું કારણ હોઇ શકે.
ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પહેલા જ રાજેએ ખેડૂતો
માટે મફત વીજળીની જાહેરાત કરી, કોંગ્રેસે ટોણો માર્યો
ચૂંટણી પંચ દ્વારા રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ની તારીખોની જાહેરાતને પગલે તાત્કાલિક અસરથી ચૂંટણી આચારસંહિતા લાગુ થવાના પહેલા જ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજ્યમાં ખેડૂતો માટે મફત વીજળીની જાહેરાત કરી હતી. આ જાહેરાત ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા બાદ શક્ય ન બની હોત કારણ કે, ચૂંટણી આચારસંહિતા તમામ રાજકીય પક્ષોને નીતિઓની જાહેરાતો કરતા રોકે છે. વસુંધરા રાજેએ ખેડૂતો માટે મફત વીજળીની જાહેરાત કર્યાના તરત જ બાદ કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટે મુખ્યમંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી રાજસ્થાન સરકારને આ સુવિધા આપવાનું યાદ ના આવ્યું પણ ચૂંટણીન તારીખો જાહેર થતાં જ યાદ આવ્યું. પાઇલટે કહ્યું કે, ‘‘ચૂંટણીની તારીખો જાહેર કરવાના અડધા કલાક પહેલા જ મફત વીજળીની જાહેરાત કરાઇ. શું આ તમને પાંચ વર્ષ સુધી યાદ ના આવ્યું ? ૅ આ દેખાડે છે કે, ભાજપ કેટલો હતાશ છે.’’