(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
દિલ્હીમાં ભારતના બંધારણીય ક્લબ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ધારદાર ભાષણ આપ્યું હતુંં. ‘તમારા પાડોશીઓને પ્રેમ કરો’ થીમ પર બોલવા માટે આમંત્રિત કરાયેલા મમતા બેનરજીએ દેશમા નફરતની રાજનીતિ કરવા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન તાકવાની તક પણ ઝડપી લીધી હતી. ઝારખંડમાં ભાજપની આગેવાનીવાળી સરકારમાં લિન્ચિંગની ઘટનાઓની યાદ અપાવતા તેમણે કહ્યું કે, ભાજપ આ જ સ્થિતિ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ઊભી કરી શકે છે. ઝારખંડમાં જે બન્યું તે છત્તીસગઢ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ બની શકે છે. આ ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં નહીં બને. આ ઘટનાઓ આંધ્રપ્રદેશમાં પણ નહીં બને કારણ કે ત્યાં ચંદ્રબાબુ નાયડુ છે. કર્ણાટકમાં પણ ન બની શકે કારણ કે ત્યાં કુમારસ્વામી છે.
વડાપ્રધાનનું નામ લીધા વિના તેમણે આસામમાં એનઆરસી ફિયાસ્કો મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીઓ જીતવા માટે લોકોની સતામણી કરવામાં આવે છે અને તે રક્તપાત તથા ગૃહયુદ્ધ તરફ દોરી જશે. દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયાને સંબોધતા મમતાએ મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરી હતી અને ન્યાયપાલિકામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, એનઆરસીની નામની યાદીમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદના પરિવારના સભ્યો જ પોતાનુ નામ શોધવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ભાજપ પર લોકોમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. હું ખ્રિસ્તી છું તો શા માટે મને અલગ કરવામાં આવે, હું દલિત છું તો શા માટે મને અલગ કરાય, હું મુસ્લિમ છું તો શા માટે મને અલગ કરાય. જો આવું જ ચાલતું રહેશે તો શું તમને નથી લાગતું કે, દેશમાં ગૃહયુદ્ધ અને રક્તપાત સર્જાઇ શકે. તેઓ કહે છે કે આજે આ આસામમાં છે અને પછી બંગાળમાં આવશે. તેઓ નક્કી કરશે કે આસામ અને બંગાળમાં કોણ રહી શકે. દેશમાં કોણ રહી શકે અને ના રહી શકે તે તેઓ નક્કી કરશે. ભારત અમારી માતૃભૂમિ છે. ભારતના કોઇપણ ભાગના દરેક લોકો દેશના કોઇપણ સ્થળે રહી શકે છે.