નસવાડી,તા.૧૭
સામાન્ય વરસાદમાં રસ્તાઓ તૂટી જવાનો મામલો રાજયભરમાં ચર્ચાની ચકડોળે ચડયો છે. ત્યારે તંત્રની બેદરકારીનો ભોગ ખુદ વડાપ્રધાન બન્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. નર્મદા યોજનાના લોકાર્પણ કરવા હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ડભોઈ ખાતે તેઓના હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડભોઈથી નર્મદા ડેમ સુધી જવા માટે તેમણે રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. તે દરમ્યાન વડાપ્રધાનના કાફલાને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના ખખડધજ અને ખાડાવાળા રસ્તાઓ ઉપરથી પસાર થવું પડયું હતું. ત્યારે ખુદ વડાપ્રધાને પણ ખરાબ રસ્તાઓનો સામનો કરવો પડયો છે અને વડાપ્રધાનને પણ અહેસાસ થયો હશે કે તંત્રની બેદરકારીને લીધે પ્રજાને આ ખરાબ રસ્તાઓથી પસાર થવું પડે છે. જો કે વિકાસ ગાંડો થયો છે. નો અનુભવ ખુદ વડાપ્રધાનને પણ થયો હતો.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ જેના લોકાર્પણ માટે કેવડિયા મુકામે હેલિકોપ્ટર મારફતે લોકાર્પણ માટે આવવાના હતા. પરંતુ ખરાબ હવામાન અને અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટરને ડભોઈ ખાતે જ લેન્ડિંગ કરાવાયું હતું. જયારે ગાડીઓના કાફલા સાથે વડાપ્રધાનને ડભોઈથી કેવડિયા ખાતે નર્મદા ડેમના લોકાર્પણ ખાતે લઈ જવાનો કાર્યક્રમ થતા સમગ્ર વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. ૧-૧ કિ.મી.ના અંતરે પોલીસ જવાનોનો કાફલો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય દિગ્ગજ નેતાઓ જેઓ ગાડીઓના કાફલા સાથે ડભોઈથી કવડિયા મુકામે જે માર્ગે નીકળ્યા હતા. તે સ્ટેટ હાઈવે ઉપર ઠેર-ઠેર ગાંબડાઓ તેમજ સમગ્ર રોડ ખખડધજ હાલતમાં હતો. નરેન્દ્ર મોદી જે રસ્તાઓ ઉપરથી તેમની ગાડી પસાર થઈ હશે ત્યારે તેઓના દિલમાં પણ અહેસાસ થયો હશે કે ગુજરાતની જનતા આટલા બધા ખરાબ માર્ગે દરરોજ સફર કરે છે. હાલમાં કુદરત પણ પ્રજા સાથે હોય તેમ વડાપ્રધાન જેઓ હેલિકોપ્ટર મારફતે જવાના હતા પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે તેઓની અચાનક હેલિકોપ્ટર લેન્ડિંગ ડભોઈ ખાતે કરીને ખખડધજ રસ્તા ઉપરથી પસાર થવું પડયું જેના કારણે પ્રજાને દરરોજ આવા ખખડધજ માર્ગ ઉપરથી પસાર થવું પડે છે જે વડાપ્રધાનને માલૂમ પડયું હશે.
વડાપ્રધાનના આગમનને લઈને કેવડિયા તેમજ ડભોઈ મુકામે મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી હતી. નરેન્દ્ર મોદી દ્વારા તમામ જનતાનો આભાર માનવામાં આવ્યો હતો ને ગુજરાતની પ્રજાની સમસ્યાઓને વહેલીતકે નિરાકરણ આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈને પોલીસ દ્વારા ડભોઈથી કેવડિયા સુધીમાં પોલીસ જવાનો કિલ્લેબંધી ખડકી દીધી હતી.