(એજન્સી) લખનઉ, તા. ૧૭
દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલ અંગે અકારણ છેડાયેલા રાજકીય વિવાદ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૨૫મી ઓક્ટોબરે અગાઉના નિવેદનથી ગુલાંટ માર્યા બાદ હવે તાજમહેલના દર્શન કરવા જશે. આ દરમિયાન તેઓ આગ્રામાં તાજ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરશે. યોગી આ દરમિયાન તાજમહેલને જોવા જશે. યોગી આગ્રાના કિલ્લાને જોવા પણ જઇ શકે છે. મુખ્યમંત્રીના આગ્રાના પ્રવાસને ડેમેજ કંટ્રોલના રૂપમાં જોેવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે, આ પ્રવાસ બાદ યોગી તાજ અંગેના વિવાદને સમાપ્ત કરવાના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સત્તા સંભાળ્યા બાદ યોગી પહેલીવાર આગ્રા જઇ રહ્યા છે. તાજમહેલ અંગે ચાલી રહેલા વિવાદ અંગે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, એ મહત્વ નથી રાખતું કે, તાજમહેલ કોણે બનાવ્યું છે, તાજને બનાવવા માટે ભારતના મજૂરોએ લોહી અને પરસેવો વહાવ્યો છે. આ ઇમારત આપણા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને પર્યટન દ્વારા આ આપણી પ્રાથમિકતા છે અને પર્યટકોને સુવિધાઓ તથા સુરક્ષા પૂરી પાડવાની અમારી જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉત્તરપ્રદેશના સરઘનાના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર કલંક ગણાવી તેને ગદ્દારોએ બનાવેલા તાજમહેલને ઇતિહાસમાં સ્થાન ન આપવું જોઇએ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.