પ્રશ્ન રોજગારોના અભાવનો નથી પરંતુ સર્જન કરેલ રોજગારોની સંખ્યા પર ડેટાના અભાવનો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

(એજન્સી) તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષો નોકરીઓની બાબતમાં પોતાની ઇચ્છા અનુસાર એક ચિત્ર રજૂ કરી રહ્યા છે કારણ કે આપણી પાસે નોકરીઓ અંગે પર્યાપ્ત આંકડા ઉપલબ્ધ નથી. મોદીએ ‘સ્વરાજ્ય’ પત્રિકાને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નોકરીઓના અભાવથી વધુ નોકરીઓ પર આંકડાની અછતની સમસ્યા છે. એટલે કે બેરોજગારી કરતા બેરોજગારીના આંકડાનો અભાવ એ સમસ્યા છે.
આપણા વિરોધ પક્ષો સ્વાભાવિક રીતે આ તકનો ઉપયોગ પોતાની ઇચ્છા અનુસાર ચિત્ર રજૂ કરે છે અને અમારા પર આક્ષેપો કરવામાં આ તકનો ઉપયોગ કરે છે. હું આપણા વિપક્ષોને નોકરીના મામલે અમારા પર આક્ષેપ કરવાનો આરોપ નથી મૂકતો કારણ કે આખરે કોઇની પણ પાસે નોકરીઓ અંગેના વાસ્તવિક ડેટા ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે નોકરીઓનું મૂલ્યાંકન કરવા માટે પરંપરાગત માળખું નવા ભારતની નવી અર્થવ્યવસ્થામાં નવા રોજગારોનું મૂલ્યાંકન કરવા માટે પર્યાપ્ત નથી. તેમણે સાથે જ જણાવ્યું છે કે આ આપણા નવયુવાનોના હિતો અને આકાંક્ષાઓની પૂર્તતા કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે દાખલા તરીકે દેશમાં સામાન્ય સેવા કેન્દ્રો ચલાવનાર ગ્રામીણ સ્તરે ૩ લાખ ઉદ્યોગ સાહસિકો છે અને તેઓ વધુ રોજગાર ઊભા કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ દ્વારા પણ રોજગારની સંખ્યા વધી રહી છે. આપણે ત્યાં લગભગ ૧૫૦૦૦ સ્ટાર્ટઅપ છે જેણે સરકારને મદદ કરી છે અને હજુ ઘણા સ્ટાર્ટઅપ શરૂ થવાના છે. મોદીએ જણાવ્યું હતું કે ઔપચારિક ક્ષેત્રમાં નોકરીઓના સર્જનથી અનૌપચારિક ક્ષેત્રમાં પણ અધિક ઉત્પાદન પ્રભાવ (સ્પીન ઓફ ઇફેક્ટ) પેદા થશે જે કુલ નોકરીઓના ૮૦ ટકા થવા પામે છે. તેમણે જણાવ્યું હતું કે જો ૮ મહિનામાં ઔપચારિક ક્ષેત્રમાં ૩૧ લાખ રોજગારોનું સર્જન થાય છે તો ઔપચારિક કે અનૌપચારી ક્ષેત્રમાં કેટલા રોજગારોનું સર્જન થશે. મોદીએ જણાવ્યું હતું કે મુંદ્રા યોજના અંતર્ગત ૧૨ કરોડથી વધુ લોન આપવામાં આવી છે. શું એ આશા રાખવી અયોગ્ય છે કે એક લોનથી ઓછામાં ઓછી એક વ્યક્તિની આજીવિકાનું નિર્માણ થાય છે અથવા મદદ મળે છે ? તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ૧ કરોડથી પણ વધુ આવાસોનું નિર્માણ થયું છે તેમાં કેટલા રોજગાર ઊભા થયા છે ? જો પ્રતિમાસ સડકનું નિર્માણ બમણું થઇ રહ્યું હોય, જો રેલવે, હાઇવે અને વીમાની કંપનીઓમાં જબરજસ્ત વૃદ્ધિ થઇ રહી હોય તો તે શેનો નિર્દેશ આપે છે ? મોદીએ રોજગાર સર્જનને લઇને રાજકીય ચર્ચામાં સ્થિરતાના અભાવનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારો લાખો નોકરીઓના સર્જનનો દાવો કરી રહી હોય તો એવું કઇ રીતે થઇ શકે કે કેન્દ્ર સરકાર રોજગારોનું સર્જન કરી રહી નથી ? એક આંતરરાષ્ટ્રીય અહેવાલને ટાંકીને મોદીએ જણાવ્યું હતું કે આ અહેવાલમાં દર્શાવાયું છે કે ભારતમાં ઝડપથી ગરીબી ઘટી રહી છે. આથી મોદીએ પ્રતિ પ્રશ્ન કર્યો હતો કે શું રોજગારના અભાવમાં આ શક્ય છે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks