અમદાવાદ, તા. ૧૧
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ધારાધોરણ કરતા વધુ ફી લેવામાં આવે છે. ત્યારે ફી નિયંત્રણ કરવા, રાજ્યમાં શાળા ફી નિયંત્રણ કાયદા હેઠળ શિક્ષણ વિભાગે રચના કરી છે તેવી એફઆરસી માત્ર શોભના ગાઠિયા બની છે. તેમજ અન્જિનિયરીંગ કોલેજોમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તદ્ઉપરાંત જીસીઈઆરટીના પ્રિન્ટીંગના કૌભાંડમાં સંડોવાયેલા ગુનેગારોને સરકાર છાવરી રહી છે. આ તમામ શિક્ષણની સમસ્યાના ઉકેલ માટે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરશે.
જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફી રેગ્યુલેટર કમિટી માત્ર શોભાના ગાઠિયા જેવું બની ગયું છે. તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવામાં આવેલ નથી તેમજ મોઘું શિક્ષણ સસ્તુ કરવાની સરકારની જાહેરાત લોલીપોપ સમાન પોકળ સાબિત થઈ છે. શાળા સંચાલકો, સરકાર તથા સુપ્રીમ કોર્ટના નિર્દેશનોને ગણકારતા નથી અને શિક્ષણ ખાતું આવા શાળા સંચાલકોની કટપુતળી તરીકે કામ કરતાં હોય તેવું જણાઈ રહ્યું છે. તેથી શિક્ષણ વિભાગે કડક હાથે કામ લઈ વાલીઓમાં વિશ્વાસ પેદા થાય તેવા પગલા લેવા જોઈએ અને એકશન ટેકન રિપોર્ટ જાહેર કરવો જોઈએ. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી જેનું સંચાલન ગુજરાત રાજ્યના ગૃહ તથા શિક્ષણ વિભાગ દ્વારા થાય છે તેમજ આ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરે છે તેમજ તેની ફી નીયત દર અને ધારાધોરણ કરતા તેનાથી વધુ લેવામાં આવેલ છે તેમજ અભ્યાસક્રમ જે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે તેના ઉપર અમલીકરણ ખુદ સરકાર કરાવી શકતી નથી. જેથી સરકારે ફી નિયંત્રણ કરી ચોક્કસ ધારાધોરણ જાહેર કરવા જોઈએ અને વિવાદાસ્પદ ડિગ્રી માન્યતા બાબતે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ તેમજ ગુજરાત રાજ્યના એન્જિનિયરીંગ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ રહેલ છે કે, વધુ પૈસા ખર્ચીને ખાનગી કોલેજોમાં મેળવેલ શિક્ષણમાં પણ નબળી ગુણવત્તા હોવાને કારણે નવા અન્જિનિયરોની ગુણવત્તાનું સ્તર અન્ય રાજ્યોની સરખામણીમાં નબળું પડ્યું છે, જેની રાજ્ય સરકારે તેની પુરતી ચકાસણી કરી તેનું સ્તર ઉચું આવે તેવા પગલા તાકીદે લેવા જોઈએ અને ચોક્કસ નીતિ નિયમો જાહેર કરવા જોઈએ. કેગના રિપોર્ટ પ્રમાણે જીસીઈઆરટીએ પ્રિટીંગ ૭.૩૯ કરોડનું પ્રિટીંંગનું ચૂકવણું કરવામાં મોટી ગેરરીતિ આચરી કૌભાંડ કરી છે. જે રિપોર્ટમાં સ્પષ્ટ છેતરપિંડી થયેલ હોવા છતાં સરકાર તરફથી ર૦૧પ પછીથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી હાલ કોર્ટના નિર્દેશ છતાં પણ સરકારે આ કૌભાંડને ઢાંકપીછોડો કરી ગુનેગારોને છાવરી રક્ષણ આપ્યું છે અને સરકારી અધિકારીઓ આ કૌભાંડમાં ભાગીદાર હોય તેવી રીતે વર્તી રહ્યા હોઈ તાકીદે આ રકમની રિકવરી કરી સરકારી તિજોરીમાં આ નાણાં જમા કરાવવા અમારી માગણી છે. તેમજ કસુરવાર સામે ફોજદારી રાહે પગલા લેવા અમારી માગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો અમારે હાઈકોર્ટ સમક્ષ આ બાબતે દાદ માંગવાની ફરજ પડશે. ઉપરોક્ત માગણીઓ અંગે સરકાર તાકીદે સ્પષ્ટતા નહીં કરે તો તા. ર૩-૮-૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં ડિગ્રીપ્રદાન કાર્યક્રમમાં આવશે ત્યારે એન્જિનિયરો તેમજ વિદ્યાર્થી દ્વારા ન્યાય માંગવા માટે આવેદનપત્ર આપવામાં આવશે.