(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર આજે મોડી સાંજે દિલ્હીની મુલાકાતે રવાના થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેઓ આવતીકાલે વડાપ્રધાન સાથે ખાસ બેઠક કર્યા બાદ ભાજપ શાસિત રાજયોમાં મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. વડાપ્રધાન સાથેની બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા લોકસભા ચૂંટણી સહિતના ખાસ મુદ્દા ઉપર ચર્ચા થનાર હોવાની માહિતી ઉચ્ચ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.
દિલ્હીમાં વડાપ્રધાન મોદીની સાથે મુલાકાતને લઈ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાંજે રવાના થયા હતા. આ મુલાકાત અંગે હાલ અટકળો ચાલી રહી છે. આ બેઠકમાં રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દાઓ પર ચર્ચા થાય તેમ મનાય છે આ બેઠક બાદ મંગળવારે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે. આ મામલે મળતી વિગત અનુસાર અચાનક દિલ્હીની મુલાકાતને પગલે રાજયકીય નિષ્ણાતોમાં પણ વિવિધ ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ મુલાકાત અંગેની વિગત મુખ્યમંત્રી દિલ્હીથી પરત આવે ત્યાર બાદ જાણવા મળી શકે તેમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. જો કે આ મુલાકાત પણ પી.એમ.ની સુચનાને અનુસંધાને જ થઈ હોવાની પણ વાત છે. પી.એમ. બનતી ત્વરાએ આ પ્રોજેકટને પૂર્ણ કરી લોકાર્પણ થાય તેમ ઈચ્છી રહ્યા હોઈ તે અંગે મુખ્યમંત્રીને સૂચનાઓ આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ગોઠવાઈ હતી અને હવે તેની કામગીરીની પ્રગતિનો સંપૂર્ણ અહેવાલ વડાપ્રધાનને તેઓ રૂબરૂમાં આપશે.