પોલીસ અને પૈસાના જોરે ધારાસભ્યોને તોડવાની ભાજપની માનસિકતા ખુલ્લી પડી

અમદાવાદ, તા.૨૮
કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામા આપતાં ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત નિરાશાનો માહોલ છવાયો છે તે વચ્ચે આજે રાજકોટ-૧ના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ એક પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપે પૈસાના જોરે અને પોલીસના દબાણ હેઠળ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી તેમના પક્ષમાં ખેંચી જવાનો સમગ્ર ખેલ પાર પાડયો છે. જે ભાજપની નબળી માનસિકતા છતી કરે છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ભારે ચિંતા વ્યકત કરી આ માટે ભાજપને જવાબદાર ગણાવી હતી અને ભાજપ પર હોર્સ ટ્રેડીંગ અને પોલીસના દૂરપયોગના આક્ષેપો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, જસદણના કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ અજ્ઞાતવાસમાં છે પરંતુ તેમને મળીને પણ અમે સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરીશું. આ જ પ્રકારે અન્ય ધારાસભ્યોને ભાજપ દ્વારા કયા કયા પ્રકારની ઓફરો થઇ છે અને કેવી લાલચો અપાઇ છે તે વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું. ભાજપ પૈસા અને પોલીસના જોરે અમારા ધારાસભ્યોને ઉઠાવી રહ્યુ છે અને તેમને તોડી રહ્યું છે પરંતુ ભાજપની આ હલકી માનસિકતા પ્રજામાં ખુલ્લી પડી ગઇ છે. દરમ્યાન અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમારા કેટલાક સાથી મિત્રોએ ભાજપના રાજકીય દાવામાં ગેરમાર્ગે દોરાઇ રાજકીય આત્મહત્યા કરી છે પરંતુ અમે ભાજપને તેનો બદઇરાદો પાર પાડવા દઇશું નહી. આ પ્રસંગે સૌરાષ્ટ્રના કોંગ્રેસના આ નવ ધારાસભ્યોએ કોઇપણ સંજોગોમાં કોંગ્રેસને છોડીને નહી જવાની અને ભાજપમાં નહી જોડાવાની જાહેરાત કરી હતી. દરમ્યાન રાજકોટની નીલ સીટી કલબમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના નવ ધારાસભ્યોની બંધબારણે બેઠક મળી હતી, જેમાં બાપુ વધુ ધારાસભ્યો ના તોડે અને ભાજપ તેના ગંદા રાજકારણમાં સફળ ના થાય તે માટેની વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી. ગઇકાલે મોડી સાજે કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય જવાહર ચાવડા અને વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા સહિતના પાંચ સભ્યો રાજયગુરૂના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks