(એજન્સી) કોલકાતા, તા.૧૮
પશ્ચિમબંગાળના કોચ બિહાર જિલ્લાના દિનહાતામાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ૬ સપ્ટેમ્બરના રોજ પ૮ વર્ષીય કોન્સ્ટેબલ હરિદાસ રોય દ્વારા ચોથા ધોરણની વિદ્યાર્થિની પર પોલીસ બેરેકમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. રવિવારે રોયની ધરપકડ કરવામાં આવી હતી. કોચ બિહાર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અનુપ જયસ્વાલ મુજબ રોયને તાત્કાલિક ધોરણે પોલીસ દળમાંથી બરતરફ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે તેને જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ગુનેગારને છોડવામાં આવશે નહીં. દિનહાતાના તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય ઉદ્દયન ગુહાએ કહ્યું કે આ ગુનાહિત કૃત્ય પોલીસ બેરેકની અંદર આચરવામાં આવ્યું હતું. ગુહાના જણાવ્યા મુજબ ૧૧ વર્ષીય પીડિતા પહેલાં આઘાતને કારણે ચૂપ હતી બાદમાં તેણે આ અત્યાચાર વિષે તેની માતાને વાત કરી હતી અંતે ૧૬મી સપ્ટેમ્બરની સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૭મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કોર્ટમાં તેને રજૂ કરાયો હતો. પીડિતાને સોમવારે કાઉન્સિલિંગ માટે લઈ જવાયા બાદ તેણીએ તબીબી તપાસ માટે જવું પડશે. પીડિતાની વિધવા માતા દિનહાતા શહેરમાં પોલીસ બેરેક નજીક એક નાનકડી ખાણી-પીણીની દુકાન ધરાવે છે જ્યારે પીડિતા સ્થાનિય શાળામાં અભ્યાસ કરે છે અને માતાને મદદ કરે છે. બેરેકમાં રહેતા પોલીસ અધિકારીઓ અહીંના નિયમિત ગ્રાહક છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૬ સપ્ટેમ્બરના રોજ આ બાળકી બ્રેડ અને શાક આપવા પોલીસ બેરેકમાં ગઈ હતી ત્યારે રોયે તેના પર હુમલો કરી તેને રૂમમાં ખેંચી લઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતાએ આ બાબતની તેની માતાને જાણ કરી ત્યારે તે પહેલાં પોલીસ બેરેક ગઈ હતી પરંતુ રોય દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી અને કોઈને આ વિશે જાણ ન કરવા કહેવામાં આવ્યું હતું ત્યારબાદ તે શાળાના શિક્ષકો પાસે ગઈ અને તેમની મદદથી દિનહાતા પોલીસ સ્ટેશનમાં ૧૬મી સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી.