કોઈક ફિલ્મી વાર્તાની પ્રતીતિ કરાવતી હોય તેવી હૃદયસ્પર્શી ઘટનામાં અમદાવાદના રામોલ વિસ્તારમાં મંગળવારે લાપતા થયેલા બે બાળકોને પોલીસે કલાકોમાંજ તેમના માતા-પિતાને સોંપી દીધા હતા. બન્યું એવું કે રામોલ જનતાનગરમાં રહેતા આ હિન્દુ-મુસ્લિમ પાડોશીના ચાર વર્ષીય બાળકો રેહાન અને રિયા રમતા-રમતા તેમના ઘરેથી દૂર ચાલ્યા ગયા અને માર્ગ ભૂલી ગયા. અલબત્ત, એક રાહદારીએ રુદન કરતા આ બાળકોને જોઈ ત્વરિત પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી દીધો . અને મિનિટોમાંજ રામોલ પોલીસ અહીં આવી પહોંચી. ભૂલા પડી ગયેલા રેહાન-રિયા તેમનું ઘર બતાવી શકે તેવી ગણતરી સાથે પોલીસ કર્મચારીઓ આ ભૂલકાઓ સાથે વસ્ત્રાલ- રામોલ સહીત ના વિસ્તારોમાં પોલીસ વાનમાં ફર્યા. એક તરફ પોલીસ રેહાન-રિયાનું ઘર શોધી રહી હતી, તો બીજી તરફ તેમના પરિવારજનો બાળકો લાપતા બન્યા હોવાની ફરિયાદ લખાવવા રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા .જ્યા એક પોલીસ કોન્સ્ટેબલે રેહાન-રિયાને લઇ ફરી રહેલી પોલીસવાનનો વાયરલેસથી સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન લાવવા જણાવ્યું. અને બસ થોડીક મિનિટોમાંજ આ બંને ભૂલકાઓને પોલીસ સાથે આવતા જોઈ તેમની માતાઓ સહીત પરિવારજનોના હરખનો કોઈ પાર ન રહ્યો !! માતાને દોડીને વળગી ગયેલા આ બાળકોને જોઈ પોલીસે પણ રાહતની લાગણી અનુભવી. પોલીસ અંકલને ’ટાટા’ કરી તેમની માતાઓ સાથે રામોલ પોલીસ સ્ટેશમાંથી વિદાય લઇ રહેલા આ બાળકોને જોઈ ખરેખર લાગણીસભર દૃશ્ય સર્જાયું હતું. તસવીરમાં રેહાન અને રિયા તેમની માતાઓ સાથે ખુશખુશાલ જણાય છે.