પાલનપુર,તા.ર૪
પાલનપુર તાલુકાના ગઢ ગામે એક ખેતરમાં બેઠેલા યુવક યુવતીને બહાર નીકાળ્યા બાદ પંદર જેટલા શખ્સોએ ખેતર માલિક ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, બીજી તરફ આ યુવતી સગાઇ થયેલા યુવક સાથે આવી રહી હતી. ત્યારે ત્રણ શખ્સોએ છેડતી કરી હતી. આ છેડતીની ફરિયાદ પોલીસે ન લેતાં યુવતીના પરિવારજનો સહિતના ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જ્યાં આખરે પોલીસે ફરિયાદ નોંધતાં મામલો થાળે પડ્યો હતો. આ અંગે સામસામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર પંથકમાં ચકચારી બનેલી ઘટનાની વાત કરી એતો ગઢ ગામે પાટીદાર યુવક પોતાની મંગેતર સાથે દેસાઈ નિલેશભાઈના ખેતર નજીક વાત કરી રહ્યો હતો. તે દરમ્યાન નિલેશભાઈ એ તેમને અહીંયા બેસી વાત ના કરવાનું કહી ઠપકો આપ્યો હતો. જોકે ત્યારબાદ યુવક યુવતી ત્યાંથી નિકળી ગયા હતા. જેના થોડા સમય બાદ આ યુવક અન્ય યુવકો સાથે આવી દેસાઈ નિલેશ ભાઈ સાથે મારપીટ કરી હતી. જેની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાઇ હતી. જ્યારે બીજા દિવસે આ યુવક અને યુવતી જઈ રહ્યા હતા તે દરમ્યાન દેસાઈ સમાજના ૩ યુવકો એ તેની છેડતી કરી ગળામાંથી સોનાની ચેઇન લઈ લીધી હોવાની ફરિયાદ નોંધાવવા જતા પોલીસે આ ફરિયાદના લેતા સમગ્ર મામલો ગરમાયો હતો. આ મુદ્દે યુવતીના સગાઓનું ટોળુ પાલનપુર જિલ્લા પોલીસવડાની કચેરીએ દોડી આવ્યું હતુ. જે બાદ ગઢ પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો કર્યો હતો. આખરે જિલ્લા પોલીસવડા તેમજ ધારાસભ્ય મહેશ પટેલની સમજાવટ બાદ પોલીસે તેમની ફરિયાદ નાેંધી સામસામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.