વડોદરા, તા.૮
વડોદરા શહેરના અકોટામાં રહેતા એક શખ્સના ઘરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે ગોત્રી પોલીસે મકાનની તલાસી લેતા દેશી બનાવટી પિસ્તોલ અને બે નંગ કારતૂસ તેમજ અલગ અલગ વ્યક્તિઓના નામના ૧૦૭ નંગ પાસપોર્ટ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. બુટલેગર ઘરમાં હાજર ન હતો ત્યારે પોલીસે તેની પત્નીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાના અકોટા ગામમાં આવેલી ફૈઝુલ્લાની ચાલીમાં રહેતા નામચીન બુટલેગરના નિવાસસ્થાને પોલીસે દરોડો પાડતાં બે જીવંત કારતૂસ સાથે દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેની સાથે વિવિધ નામોના ૧૦૭ પાસપોર્ટ મળી આવ્યા હતા. જો કે, બૂટલેગર હાથમાં આવ્યો ન હતો, તેની પત્નીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના અકોટા ગામ ફૈઝુલાની ચાલીમાં રહેતા નામચીન બુટલેગર મુનાફ શેખના નિવાસસ્થાને વિદેશી દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન વિદેશી દારુ મળી આવ્યો ન હતો. પરંતુ, તેના ઘરમાંથી શંકાસ્પદ જણાંતા અલગ અલગ વ્યક્તિઓના નામોના ૧૦૭ ભારતીય પાસપોર્ટ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર મુનાફ ઘરમાં હાજર ન હતો. પોલીસે પકડેલા આ પાસપોર્ટ અંગે ઘરમાં હાજર બુટલેગરની પત્ની સમીરા શેખની પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ, પત્નીએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની વધુ પૂછપરછ માટે અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. ગોત્રી પી.આઇ. જી.એ. સરવૈયાએ જણાવ્યું હતું કે, બુટલેગર મુનાફ શેખના ઘરમાંથી ૧૦૭ વિવિધ નામની વ્યક્તિઓના પાસપોર્ટ મળી આવ્યા છે. આ પાસપોર્ટ તેના ઘરે કેવી રીતે આવ્યા તે તપાસનો વિષય છે. આ પાસપોર્ટની તપાસ માટે જે વ્યક્તિના પાસપોર્ટ મુનાફના ઘરેથી મળી આવ્યા છે. તે વ્યક્તિઓને પોલીસ મથકે બોલાવવામાં આવશે. તેઓએ કયા કારણસર મુનાફને પાસપોર્ટ આપ્યા છે. તે અંગે વેરીફાઇ કરવામાં આવશે.