પોલીસની ઢીલી કામગીરી સામે વડુ ગામ ઝડબેસલાક બંધ રહ્યું

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
પાદરા તાલુકાના વડુ ગામે બુધવારે સગીરાની છેડતી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે ફરીયાદ લેવામાં વિલંબ કર્યો હોવાના આક્ષેપ સાથે ટોળાએ પોલીસ મથકે હોબાળો મચાવી ધૂન કરી હતી અને ગુરૂવારે વડુ બંધનું એલાન આપતા આજે વડુ ગામ જડબેસલાક બંધ જોવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના વડુ ગામે બુધવારે શાળાએથી પરત ફરેલી સગીરા તેના ઘર તરફ જઇ રહી હતી તે સમયે ત્રણ યુવકોએ સગીરાની છેડતી કરી હતી. જેના પગલે સગીરાના પરિવારજનો યુવાનને ઠપકો આપવા તેના ઘરે પહોંચ્યા હતા. જોકે આ મુદ્દે બોલાચાલી થતા બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. બનાવ બાદ પરિવારજનો સાથે ગામના લોકો ઘટના અંગે ફરીયાદ આપવા પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતાં અને છેડતી કરનાર યુવકો વિરૂદ્ધ કડક હાથે પગલા ભરવા માંગ કરી હતી. જોકે કલાકો સુધી પોલીસ મથકમાં બેસવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહી કરાતા ગ્રામજનો રોષે ભરાયા હતાં અને પોલીસ મથકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવાય હતાં. જોકે પોલીસની ઢીલી કામગીરીને કારણે ગ્રામજનોએ પોલીસ મથક સંકુલમાં બેસી વિરોધ દર્શાવ્યો હતો અને ગુરૂવારે વડુ બંધનું એલાન આપ્યું હતું.
વડુ બંધના એલાનના પગલે આજે સવારથી જ વડુ ગામ જડબેસાક બંધ જોવા મળ્યું હતું. ગામમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને બજારો પણ સુમસામ નજરે પડ્યા હતા. બંધને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks