(એજન્સી) લખનૌ, તા.ર૦
જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરવા ભાજપના દલિત ધારાસભ્ય સામાન્ય લોકો સાથે લાઈનમાં ઊભા રહ્યા હતા. પૂર્વ ઉત્તરપ્રદેશના ભરાઈચ જિલ્લાની બલ્હા વિધાનસભાના ધારાસભ્ય એકચેવર લાલ ગોન્ડે કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ મારી મજાક ઉડાવે છે, તેઓ મારી ભલામણો સાંભળતા નથી.
કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પોતાની ફરિયાદ નોેંધે માટે ગોન્ડ ગઈકાલે નાનપરાના દિવાસમાં લોકો સાથે લાઈનમાં ઊભા રહ્યા હતા. તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગી આદિત્યનાથની સરકારની રચનાને ૧પ માસ જેટલો સમય પસાર થયો છે. છતાં સામાન્ય લોકોની ફરિયાદો સાંભળવામાં આવતી નથી. ગરીબોના કલ્યાણ માટે મેં કરેલી ભલામણો પોલીસ કાને ધરતી નથી. ગેરકાનૂની કામગીરી અટકાવવા રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું. ભાજપના કાર્યકરો જ્યારે પોલીસ સમક્ષ મારું નામ લે છે ત્યારે તેઓ મારી મજાક ઉડાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મને આશા છે કે, અધિકારીઓ મારી ફરિયાદનો ઉકેલ લાવશે.
ગોન્ડે જણાવ્યું હતું કે, મારા વિસ્તારની પોલીસ મને ઓળખવાનો પણ ઈન્કાર કરે છે. પંચાયતની છેલ્લા બે માસની બેઠકોમાં અમને જાણવા મળ્યું કે, લોકોને કેટલી સમસ્યાઓ છે. તેઓને ખાવા પૂરતું અનાજ પણ નથી. સરકારી યોજનાઓ હેઠળ તેમને રહેવા માટે આવાસો પણ ફાળવવામાં આવ્યા નથી. સરકારના વિભાગો તરફથી તેમને કોઈ રાહત મળી નથી. તેમણે આ મામલે યોગીને પણ પત્ર લખ્યો હતો.