(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
વડોદરા ન્યાયમંદિર સામે આવેલ દુધવાલા મહોલ્લા પાસે મોડીરાત્રે લારીઓ બંધ કરાવવા ગયેલા મહિલા પી.એસ.આઇ. ઉપર જીવલેણ હુમલો થતાં મહિલા પી.એસ.આઇ.ને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસને ધાડેધાડા સ્થળ પર દોડી આવી ત્યાંથી લારી-ગલ્લાં દબાણો દુર કર્યા હતા.
વડોદરા શહેરનાં અનેક વિસ્તારોમાં મોડીરાત સુધી બેરોક ટોક, ખાણાપીણાની લારીઓ, ગલ્લાઓ ધમધમે છે. મોડીરાત સુધી ત્યાં લોકોની ભીડ હોઇ છે. ગઇકાલે રાત્રે દુધવાલા મહોલ્લા નાકા પર ચાલતી લારી-ગલ્લાને બંધ કરાવવા માટે વાડી પોલીસ મથકનાં મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમર ત્યાં પહોંચ્યા હતા. જ્યાં લારીઓ બંધ કરાવાવનું જણાવતા લારી-ગલ્લાં ધારકો સહિતનાં લોકટોળાં એકત્ર થતા મામલો બીચકતાં મહિલા પી.એસ.આઇ.ના માથા પર હુમલો થતાં લોહી લુહાણ મહિલા પી.એસ.આઇ.ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પી.એસ.આઇ. એસ.જે. તોમરની ફરિયાદને આધારે નામ જોગ ૨૦ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધી રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.