અમદાવાદ, તા.રર
પદ્માવત ફિલ્મને લઈને રાજપૂત સંગઠનો દ્વારા થઈ રહેલા વિરોધ પછી રાજ્યના અનેક થિયેટરોએ પદ્માવત ફિલ્મને રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આટલા વિરોધના વંટોળ વચ્ચે પણ અમદાવાદ શહેરમાં ૧૦ થિયેટરોએ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી દર્શાવી છે. જેને માટે પોલીસ રક્ષણ પણ અપાશે. સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ રાજપૂત સમાજના ઉગ્ર વિરોધ અને વિવાદ વચ્ચે અટવાયેલી પડી છે ત્યારે હવે તા.૨૫મી જાન્યુઆરીએ ફિલ્મના રિલીઝને લઇ ખાસ કરીને અમદાવાદ શહેરમાં હજુ પણ અવઢવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એકબાજુ, મલ્ટિપ્લેક્સ એસોસીએશન દ્વારા અમદાવાદના ૨૬ મલ્ટિપ્લેક્સ થિયેટરમાં અને ગુજરાતના ચાર જિલ્લાઓ અમદાવાદ, વડોદરા, ભાવગનર અને મહેસાણામાં ફિલ્મ રિલીઝ નહી કરવાની જાહેરાત કરાઇ ચૂકી છે ત્યારે બીજીબાજુ, આજે રાજય પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેરના દસ થિયેટરોમાં એક-એક એસઆરપી પ્લાટુન અને એક પીએએસઆઇ સહિતનો ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવાતાં આ દસ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થશે. અમદાવાદના જે મલ્ટિપ્લેક્સ અને થિયેટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે તેમાં વસ્ત્રાપુર પોલીસમથક હેઠળ આવતાં આલ્ફાવન સિનેપોલીસ સિનેમા, હિમાલયા મોલ, પીવીઆર એક્રોપોલિસ સિનેમા, ડ્રાઇવઇન, સેટેલાઇટ પોલીસમથક હેઠળ આવતાં એસજી હાઇવે પર ઇસ્કોન મંદિર સામે કે.સરાસરા, ગુલમહોર પાર્ક મોલ ખાતે મુકતા સિનેમા, સોલા પોલીસ મથક હેઠળ આવતાં એસજી હાઇવે પરના રાજહંસ સિનેમા, પીવીઆર, રેડ કાર્પેટ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં સીટી ગોલ્ડ, આંબલી રોડ થિયેટરોનો સમાવેશ થાય છે. આ તમામ થિયેટરોમાં ૩૪ એસઆરપી જવાનો યુકત એક-એક એસઆરપી પ્લાટુન અને એક-એક પીએસઆઇ એમ કુલ દસ પીએસઆઇ આ સુરક્ષા કાફલામાં તૈનાત કરાયા છે, બીજીબાજુ, રાજપૂત સમાજ અને કરણી સેના ફિલ્મનો જોરદાર વિરોધ કરી રિલીઝ અટકાવવાના મૂડમાં છે, જેને લઇ અમદાવાદ શહેરમાં હજુ પણ ફિલ્મની રિલીઝને લઇ સસ્પેન્સ બની રહ્યું છે.પદ્માવત ફિલ્મની રિલીઝ અંગે સુપ્રીમકોર્ટે આપેલી લીલીઝંડી બાદ પણ ફિલ્મને રજૂ કરવાના મુદ્દે ભારે અસમંજસભરી સ્થિતિ સર્જાઇ હતી.