પોલીસ ઉપર હુમલાના કેસમાં બે દોષિતોને બે વર્ષની સજા

(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા,૨૦
મહેસાણામાં આરોપીઓને પકડવા ગયેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા અને બન્નેને બે વર્ષની કેદ તેમજ પ્રત્યેકને રૂ.૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.કડી પોલીસ સેટેશનમાં વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા પ્રોહીબીશનના એક કેસમાં સંડોવાયેલ દેત્રોજ તાલુકાના કુકવાવ ગામનો આરોપી સોલંકી જીતેન્દ્રસિંહ ઉર્ફે ગીગો રામભા પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.દરમ્યાન તા.૧૮.૩.૨૦૧૬ના રોજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી જીતેન્દ્રસિંહ મહેસાણા હાઈવે પર આવેલ અવસર પાર્ટી પ્લોટ નજીક ગાડીમાં છે જેથી જયવીરસિંહ સહિતનો પોલીસ સ્ટાફ તેને પકડવા પહોંચ્યો હતો.જો કે,પોલીસને જોઈને જીતેન્દ્રસિંહે પોતાની ગાડી ચાલુ કરીને પોલીસકર્મીઓને મારી નાંખવાના ઈરાદે તેમની ઉપર નાંખી નાસવા લાગ્યો હતો તેનો પોલીસે પીછો કરીને દેદીયાસણ બાયપાસ નજીક આંતરી ઉભો રખાવતા જીતેન્દ્રસિંહ અને તેનો સાથીદાર ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગલો રાજેન્દ્રસિંહ ઝાલાએ પોલીસકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો.આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી હતી.આ કેસ મહેસાણાના એડી.સેશન્સ જજ એસ.સી.ગાંધીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભરતભાઈ જી.પટેલની દલીલોને આધારે કોર્ટે બન્ને આરોપીઓને કસુરવાર ઠેરવી બે વર્ષની કેદ અને બન્નેને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks