શ્રીનગરથી નાસી છૂટેલા પાકિસ્તાની ત્રાસવાદીએ શુજાત બુખારીની હત્યા કરી : પોલીસ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ફેબ્રુઆરી ૨૦૧૮માં શ્રીનગરની હોસ્પિટલમાં નાટ્યાત્મક રીતે નાસી છૂટેલા ખૂંખાર પાકિસ્તાનની ત્રાસવાદી નવીદ જટ્ટે ચાલુ મહિનાના પ્રારંભમાં ઇદની પૂર્વ સંધ્યાએ ‘રાઇઝિંગ કાશ્મીર’ અખબારના ચીફ એડિટર શુજાત બુખારીની હત્યા કરી હતી. બુખારીની હત્યા કરવા માટે બાઇક પર આવેલા ત્રણ ત્રાસવાદીઓમાંથી એક નવીદ જટ્ટ હતો. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના આદેશ પર નવીદ જટ્ટ દુષ્કૃત્યો આચરે છે એવું કાશ્મીર પોલીસના ટોચના અધિકારી સ્વયં પ્રકાશ પાનીએ જાહેરાત કરી છે. ૧૪મી જૂને ઇફ્તાર પાર્ટીમાં જવા માટે પોતાની ઓફિસમાંથી નીકળીને કારમાં બેસ્યા ત્યારે બાઇક પર આવેલા ત્રણ હત્યારાઓએ શુજાત બુખારી પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરી હતી. બુખારી સાથે તેમના બે અંગરક્ષકો પર માર્યા ગયા હતા. બુખારીને ૧૭ ગોળીઓ વાગી હતી. નવીદ જટ્ટ નાસી છૂટ્યા પછી આ પ્રથમ ભયંકર હુમલો છે, જેમાં તેનું નામ આપવામાં આવ્યું છે. લશ્કરે તોઇબાના આ ખૂંખાર ત્રાસવાદીના શ્રીનગરની હોસ્પિટલેથી નાસી છૂટવાની ઘટનાની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે નવીદ જટ્ટને જેલમાંથી ભગાડવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. તોઇબાના ચાર ત્રાસવાદીઓના ફોટા જારી કરનાર પાનીએ જણાવ્યું કે શુજાત બુખારીની હત્યા કરવા માટે નવીદ જટ્ટ સાથે આવેલા અન્ય ત્રાસવાદીઓમાં કાઝીગુંદનો મુઝફ્ફર એહમદ અને બિજબેહરાનો આઝાદ એહમદ મલિક સમાવેશ થાય છે. પાનીએ એવું પણ કહ્યું કે તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે શુજાત બુખારી સામે ચોક્કસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શુજાત બુખારી સામે નફરત ફેલાવવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks