અમદાવાદ,તા.ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટની ટકોરનું મનફાવે તેવું અર્થઘટન કરી સ્વરોજગાર મેળવતા નાના લારી-ગલ્લા, પાથરણાવાળાઓની રોજગારી છિનવી લે તે અન્યાયી છે, મ્યુનિ. તંત્રએ ર૦૧૪માં કેન્દ્રની યુપીએ સરકારે બનાવેલી સ્ટ્રીટ વેન્ડર પોલીસી એકટનો અમલ કરી શહેરના તમામ સ્વરોજગાર કરતા લોકોનો સર્વે કરે અને લારી ગલ્લા, પાથરણાવાળાને ખસેડવા હોય તો આગોતરી વૈકલ્પિક વ્યવસ્થા કરી તેમને બેકાર બનતા અટકાવે તેવી કોંગ્રેસે માગ કરી છે. ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા તથા મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, મ્યુનિ. કાઉન્સિલરો સુરેન્દ્ર બક્ષી, શાહનવાઝ શેખ, રઝીયાબેન, સૈયદ, યુસુફ અજમેરી, કમલાબેન ચાવડા, અઝરા કાદરી, મોનાબેન પ્રજાપતિ, ઝરીનાબેન શહેર કોંગ્રેસ લઘુમતી ચેરમેન ઝુલ્ફીકારખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરોએ મેયર શ્રીમતિ બિજલબેન પટેલને મળી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવા માગણી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા હાઈકોર્ટની ટકોરને લઈને તેનું મનફાવે અર્થઘટન કરી અણધડ અને અવિચારી રીતે જોહુકમી કરી સેલ્ફ મેઈડ રીતે ધંધા રોજગાર કરતા નાના રોજગારીવાળાનો રોજગાર છીનવી લેવાની બાબત અન્યાયી છે આ જ હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ રોડની તથા સફાઈની બદતર હાલત બાબતે અનેકવાર ટકોર કરેલ હતી ત્યારે ભાજપના સત્તાધીશો કે વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ પણ કોન્ટ્રાકટર સામે કેમ કોઈ પગલાં ના લીધા અને સત્તાનો રોફ બતાવી સામાન્ય પ્રજા પર જોહુકમી કરવામાં આવી રહી છે! છેલ્લા બે વર્ષથી નોટબંધી અને જીએસટીના અમલને કારણે ધંધા-રોજગારમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. નબળી નાણાકીય પરિસ્થિતિના કારણે સંયુકત કુટુંબ સાથે આપઘાતના કિસ્સા પર બનવા પામેલ છે. વર્ષ ર૦૧૪માં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલીસી એકટ બનાવી તેને અમલી બનાવેલ હતો. પરંતુ હજુ સુધી મ્યુ.કોર્પો.માં ભાજપ ચાર વર્ષ વીતિ ગયા છતા કોઈ નિર્ણય લઈ શકી નથી અને સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંતર્ગત કોઈ ઓથોરિટીની કે કોઈ કમિટીની રચના કરવામાં આવી નથી માત્ર સેપ્ટ યુનિવર્સિટી પાસે સને ર૦૦૯મા સર્વે કરાવેલ તે સમયે ૬૯,૦૦૦ જેટલા સ્ટ્રીટ વેન્ડર હતા. હાલ તે સંખ્યા વધીને અંદાજે ૩ લાખ જેટલી થવા પામેલ છે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સત્તાધીશો માનવીય ઉકેલ શોધવાને બદલે તેમનો રોજગાર છીનવી લેવાની વાત કોઈ કાળે ચલાવી લેવાય નહીં. જો નાના નાના ધંધાર્થીઓ બેકાર થશે તો શહેરમાં ચોરી, લૂંટફાટ તથા અન્ય ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થશે. તેમ છતાં ભાજપના સત્તાધીશોને કોઈ ગંભીરતા દેખાતી નથી. આ અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી.