પોતાને આંબેડકર ભક્ત ગણાવનારા વડાપ્રધાન મોદી કોરેગાંવ હિંસા પર ચૂપ કેમ : જિગ્નેશ મેવાણી

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
દલિત નેતા અને ગુજરાતના સાંસદ જિગ્નેશ મેવાણીએ દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ કહ્યું કે પોતાને બાબાસાહેબ આંબેડકરના ભક્ત ગણાવનારા વડાપ્રધાન મોદી ભીમા કોરેગાંવ હિંસા મામલે ચૂપ કેમ છે. તેમણે કહ્યું કે જો આવું જ રહ્યું તો ર૦૧૯માં મોદીને મજા ચખાવીશું. નવ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં સામાજિક ન્યાય માટે યુવા હુંકાર રેલી કરશે. આ રેલીમાં અખિલ ગોગોઈ પણ સામેલ રહેશે ત્યારબાદ હું વડાપ્રધાન કાર્યાલય જઈશ અને એક હાથમાં બંધારણ અને મનુસ્મૃતિ લઈને મોદીને પૂછીશ કે તમે બંનેમાંથી કયું પસંદ કરશો. મેવાણીએ કહ્યું કે હું ક્યારેય ભીમા-કોરેગાંવ ગયો જ નથી. મેં ક્યારેય ભડકાઉ ભાષણ આપ્યું નથી. તમે મારી સ્પીચ સોશિયલ મીડિયા પર જઈને સાંભળી શકો છો. એટલું જ નહિ. જે બંધ રાખવામાં આવ્યો હતો એમાં પણ મે ભાગ નથી લીધો. મારા લીધે હિંસા કઈ રીતે થઈ ?
મેવાણીએ કહ્યું કે સંઘ પરિવાર અને ભાજપના લોકો ગુજરાતમાં ૧પ૦ સીટો લાવવાનો ઘમંડ હતો જે ૯૯ પર થંભી ગયો આના લીધે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મંગળ ગ્રહ પર ઘર બનાવવાની વાત થઈ રહી છે તો પછી જાતિની વાત કેમ નથી થઈ રહી. ખુદને બાબા સાહેબના ભક્ત ગણાવનારા મોદીને હવે મોઢું ખોલવું પડશે. મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ચૂંટાયેલો શખ્સ છું. વકીલ છું. જાતિને સમાપ્ત કરવી હોય તો સડકો પર જનઆંદોલન કરવા પડશે. મોદી વડાપ્રધાન બન્યા બાદ રોહિત વેમુલા, ઉના, સહારનપુરમાં ભીમ આર્મી ઉપર હુમલા, ભીમ કોરેગાંવની ઘટનાઓને લઈ ચૂપ્પી સાધી બેઠા છે. સમય આવી ગયો છે કેન્દ્રની સરકાર પોતાના હોદ્દાની સ્પષ્ટતા કરે. ગુજરાત સાંસદે કહ્યું કે તમે બધા દલિતોને ગુસ્સે કરી રહ્યા છો. હું પોતે વકીલ છું અને મેં પણ કાયદાના દાયરામાં રહીને કામ કર્યા છે અને મારી પર કેસ દાખલ થવાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું અપીલ કરું છું કે લોકો સડકો પર ન ઉતરે. તેમણે કહ્યું કે અમારા પર બિનજરૂરી કેસ દાખલ થયો છે. દલિત સમાજના એક સાંસદને ટાર્ગેટ કરી શકે છે તો ખેડૂત અને ગરીબનું શું હાલ થશે. મારી સ્પીચમાં કંઈપણ વાંધાજનક ન હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks