(એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૫
પાકિસ્તાને બ્રિક્સ દેશોના બયાનને રદિયો આપ્યો છે જેમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાનની ધરતી પર આતંકવાદી સંગઠનો કાર્યરત છે. અને તેને કારણે વિશ્વ પર ખતરો સર્જાયો છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખુરમ ખાને કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રયસ્થાન પુરુ પાડતું નથી. તેમણે કહ્યું કે અમે પહેલા પણ જાહેર કર્યું છે અમારી ભૂમિમા કોઈ આતંકવાદી સંગઠન કાર્યરત નથી. ઈસ્લામાબાદમાં કેબિનેટ પર સંરક્ષણ કમિટિની બેઠક બાદ તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગર્ સમાન બની ચૂક્યું છે. પાકિસ્તાનને બહારના કોઈ આક્રમણની બીક કે ચિંતા નથી કારણ કે અમારી આર્મી, નેવી અને એરફોર્સ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં જો કોઈ આતંકવાદી સંગઠનોની હાજરી હોય તો તેનો અમે સફાયો કરી રહ્યાં છીએ. પરંતુ પાકિસ્તાન બ્રિક્સ દેશના જાહેરનામાનો સ્પષ્ટ રદિયો આપે છે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં પહેલી વાર પાક.સ્થિત લશ્કર એ તોયબા અને જૈશે મોહમદ જેવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેની આકરી નિંદા કરવામાં આવી. બ્રિક્સમાં તમામ પ્રકારના આતંકવાદના આકરી નિંદા કરવામાં આવી પરંતુ તેમાં સીધી રીતે પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું નથી. બ્રિક્સ ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબા, જૈશે મોહમ્મદ અને હક્કાની નેટવર્કની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી હતી. પાકિસ્તાની વિદેશ વિભાગના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા બયાનમાં બ્રિક્સની ટીપ્પણીને નકારી કાઢવામાં આવી હતી.