
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર/વલસાડ, તા.ર૩
વલસાડ જિલ્લાના જુજવા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી રાજ્યના ર૪ જિલ્લાના લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ ઈ-ગૃહ પ્રવેશ કરાવતા જણાવ્યું હતું કે, ર૦રરમાં જ્યારે દેશ ૭પમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે ત્યારસુધીમાં દરેક પરિવારોને પોતાનું ઘર મળી રહે તેવું મારું સ્વપ્ન છે. એક લાખથી વધારે બહેનોને ઘર મળ્યા રક્ષાબંધન પહેલાં તેનાથી મોટી કોઈ ભેટ નથી. હું એક ભાઈના રૂપમાં તેનો ગર્વ અનુભવું છું. એમ જણાવતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો નીકળે છે અને તેના ૧૦૦એ ૧૦૦ પૈસા ગરીબના હાથમાં પહોંચે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માદરે વતન ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન સૌથી પહેલાં વલસાડ પહોંચ્યા, જ્યાં તેમણે ૧૭ર૭ કરોડ રૂપિયાની સરેરાશથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧.૧પ લાખ આવાસને તેમના લાભાર્થીઓને સમર્પિત કર્યા. વલસાડમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં પહેલાં પણ સરકાર હતી, આદિવાસી મુખ્યમંત્રી રહ્યા, પરંતુ જ્યારે હું તેમના ગામે ગયો ત્યારે અમારી સરકારે તે લોકોને પાણી પહોંચાડ્યું છે. આજે અમે હિમ્મતની સાથે કહી શકીએ છીએ કે દરેક કામ લાંચ વગર થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે,આવનાર ૧-ર વર્ષમાં ભારતના દરેક ઘરમાં વીજળી પહોંચાડવામાં આવશે. તેમજ ગુજરાતના લોકોએ મને ઘણું શીખવાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના જજુઆ ગામે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ૮૬ કરોડના ખર્ચે આ યોજના તૈયાર કરાઈ છે. જેનાથી ૧૭૪ ગામના લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળશે. મોદીએ જણાવ્યું કે, આખા ઘર માટે પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવાની કપરી જવાબદારી બહેનો અને માતાઓના માથે હોય છે. એટલે પાણીની વિપદા સહુથી વધુ બહેનોએ વેઠવી પડે છે. એટલે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાને પણ હું બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે મૂલવું છું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉમરગામથી અંબાજી સુધીની પૂર્વપટૃીના તમામ ગામો અને ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાનો મેં સંકલ્પ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ સંકલ્પ સાકાર કરવામાં આવી રહયાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓના પ્રધાનમંત્રીના હસ્તે ઇ ગૃહ પ્રવેશના પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ યોજના હેઠળ ર,૦૫,૦૦૦ મકાનો લાભાર્થીઓ માટે બનાવવાનું આયોજન કર્યું છે, અને આ સંકલ્પ ટૂંક સમયમાં પૂરો કરાશે.